મોસ્ટ વોન્ટેડ આતંકી તહવ્વુર રાણાને અમદાવાદ લાવવામાં આવે તેવી સંભાવના
પાકિસ્તાની મૂળના 64 વર્ષીય કેનેડિયન નાગરિક અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તહવ્વુર હુસૈન રાણાને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવે તેવી શક્યતા છે. તહવ્વુર રાણા 26 નવેમ્બરના રોજ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના એક અઠવાડિયા પહેલા 18 અને 19 નવેમ્બર, 2008ના રોજ અમદાવાદ આવ્યો હતો અને પત્ની સમરાઝ અખ્તર સાથે મીઠાખળીમાં આવેલી હોટેલ લેમન ટ્રીમાં રોકાયો હતો.
અમદાવાદ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે જાન્યુઆરી 2010માં આ વાતનો પર્દાફાશ કર્યો હતો જ્યારે વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિક આઈજી-સ્પેશિયલ બ્રાન્ચ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે, અધિકારીઓએ વિદેશી મહેમાનો અંગેના વિવિધ નિયમો તોડવા બદલ હોટેલ મેનેજમેન્ટ સામે આરોપો દાખલ કર્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, આતંકી રાણા અમદાવાદ આવ્યો ત્યારે કોને કોને મળ્યો હતો અને અહીં આવવાનો હેતુ શું હતો તે સંદર્ભે તેની પુછતાછ થઈ શકે છે. તે 19 નવેમ્બરે અમદાવાદથી મુંબઈ ગયો હતો અને 26 નવેમ્બરે મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. આ કારણથી તેની અમદાવાદની મુલાકાત ઘણું મહત્વની બની જાય છે.