18% જી.એસ.ટી બચાવવા મોરબીનો સીરામીકનો વેપાર “રોકડીયો”: તપાસમાં ઘટસ્ફોટ
- મોરબી સહિત રાજ્યમાં 25થી વધુ સીરામીકના એકમકારોને ત્યાં જીએસટીનાં દરોડામાં આશરે 6 કરોડની કરચોરી ઝડપાઇ,રોકડનો માલ રોકડમાં જ વેચાતો હોવાનું બહાર આવ્યું
મોરબી સહિત રાજ્યમાં 25 થી વધુ સિરામિક એકમકારોને ત્યાં જીએસટીએ તવાઈ ઉતારી હતી,જેમાંથી આશરે 6 કરોડની કરચોરી ઝડપાઇ છે.તપાસમાં સામે આવ્યું છે કે અનેક વેપારીઓએ રોકડમાં માલ મેળવીને રોકડમાં જ વેચાણ કર્યું હતું,જેના લીધે મોટાભાગે માલ ચોપડે ચડ્યો ન હતો. જીએસટી સામે આ મોડ્સ ઓપરેન્ડી હજુ ઉકેલાઈ નથી,આથી હજુ ભવિષ્યમાં પણ વેપારીઓ દ્વારા જી.એસ.ટી.ચોરી કરી વિભાગને પડકાર ફેંકતા રહેશે તેવું કહેવું ખોટુ નથી.
સીરામીક એકમોની કરચોરીનું એ.પી.સેન્ટર મોરબી હોવાનું જીએસટીની સામે આવ્યુ છે. જીએસટીને સિસ્ટમમાંથી મળેલા ડેટા ના આધારે જુદીજુદી કોમોડિટીઝના રીટર્ન અને ટેક્સની ચકાસણી હાથ ધરી છે જેના આધારે સેગેમેન્ટ મુજબ તપાસ થઈ રહી છે જેમાં સિરામિકના ઉદ્યોગકારો ટેકસ ભરવામાં આળસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું, 18 ટકા ટેક્સ ભરવો ન પડે તે માટે વેપારીઓએ મોટાભાગનો માલ રોકડમાં વેચ્યો હતો. મોરબીમાંથી કઈ રીતે રોકડમાં માલ નીકળે છે એ પણ બિલ વગર તે તપાસનો વિષય બન્યો હોવાનું સામે આવ્યુ છે.