મોરબી : લીલાપર ગામ નજીક કિયા સેલટોસ કારમાં આગ ભભૂકી ઉઠતા યુવાન જીવતો ભૂંજાયો
મોરબીમાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં કિયા સેલટોસ કારમાં આગ ભભૂકી ઉઠતા યુવાન ભડથું થયો હતો. કારમાં આગ લાગ્યા બાદ સેન્ટ્રલ લોક થઇ જતા યુવાનનુ મૃત્યુ થયાનુ પ્રાથમિક તારણ સામે આવ્યું છે ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારમાં રહેલી રોકડ, મોબાઈલ તેમજ સોનાના દાગીના પરત કરી મોરબી ફાયર ટીમી પ્રામાણિકતાના દર્શન કરાવ્યા હતા.

મળતી વિગતો અનુસાર આ ઘટના મોરબી જિલ્લાના લીલાપર ગામની છે જ્યાં KIA કંપનીની સેલ્ટોસ કારમાં અચાનક આગ લાગી હતી. હોર્ન ચોંટી ગયા બાદ આગ ભભૂકી ઉઠતાં કાર સેન્ટ્રલ લોક થઇ જતા ઉ.39 યુવાન અજયભાઈ નાનજીભાઈ ગોપાણી બહાર ન નીકળી શક્યો હતો. આગમાં ભળથૂ થઈ ગયા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ તત્કાલ બનાવ સ્થળે દોડી આવી કાર ઉપર ફોમ અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. નોંધનીય છે કે, કારમાં આગ બુઝાવી તે સમયે પણ કારનું હોર્ન સતત વાગતું રહ્યું હતું.

કારમાં લાગેલી આગ બુઝાવ્યા બાદ કારની પાછળની સીટમાંથી પડેલા રૂ. 5 લાખ રોકડા, 8 મોબાઈલ, મોંઘી ઘડિયાળ, સોનાની વિંટી, પિસ્તોલ ઉપરાંત અન્ય નાની-મોટી ચીજવસ્સુઓ મળી આવી હતી, જે અજયભાઈના પિતરાઈને સોંપવામાં આવી છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા નથી મળી શક્યું. જો કે સ્થાનિકોનું કહેવું છે કે, જ્યારે કારમાં આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડની ટીમે કારના કાચ તોડીને અજયભાઈનો મૃતદેહ ખેંચીને બહાર કાઢ્યો હતો. હાલ તો આગનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.