જનસેવા કેન્દ્રના કોન્ટ્રાકટર વિરુદ્ધ લઘુતમ વેતનધારા ભંગનો કેસ : આઠમા પગારપંચના જમાનામાં કોમ્પ્યુટર ઓપરેટરોને ચૂકવાય છે 5500નો પગાર
કેન્દ્ર-રાજ્ય સરકારની કચેરીમાં હાલમાં ફરજ બજાવતા કાયમી કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ પગાર ચૂકવાઈ રહ્યો છે અને આઠમા પગારપંચ અમલની ભલામણો ચાલી રહી છે તેવા સમયે જ રાજકોટ જિલ્લા કલેકટર હસ્તકના કોન્ટ્રાકટ બેઇઝ કોમ્પ્યુટર ઓપરેટરોને મહિને દહાડે માત્રને માત્ર 5500 પગાર ચુકવનાર કોન્ટ્રાકટર મનમાની કરી તંત્ર બિલ ચૂકવે તો જ પગાર કરું તેવી નીતિ અપનાવી કર્મચારીઓને ત્રણ માસનો પગાર ન ચુકવતા નાયબ શ્રમ આયુક્ત કચેરીમાં શોષણ અંગે ફરિયાદ કરવામાં આવતા શ્રમ અધિકારી દ્વારા લઘુતમ વેતનધારા ભંગ સબબ કેસ દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી તેમજ વિવિધ તાલુકા મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રમાં તેમજ ઈ-ધરા કેન્દ્રમાં જિલ્લા કલેકટર કચેરી દ્વારા ટેન્ડર વગર જ અગાઉ કામગીરી કરતી યશ એન્ટરપ્રાઇઝ નામની પેઢીની જ બીજી પેઢી એવી દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ મડાણા (ગઢ) નામની પેઢીને તગડો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ દેવીદાસ ટ્રસ્ટ હેઠળ જનસેવા કેન્દ્રમાં હાલમાં 33 કોમ્યુટર ઓપરેટરો ફરજ બજાવી રહ્યા છે જેઓ સવારે 10.30થી 6 વાગ્યા સુધી તેમજ કચેરીની અન્ય વધારાની કામગીરી માટે નિયમિત ફરજ બજાવતા હોવા છતાં દેવીદાસ ટ્રસ્ટના સંચાલકે પગારમાં કાપ મૂકી ચાની હોટલમાં કામ કરતા માણસ કરતા પણ ઓછો એટલે કે માત્ર 5500 રૂપિયા જ પગાર ચૂકવી રહ્યો છે. સાથે જ ગત માર્ચ માસનો તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસનો પગાર હજુ સુધી કર્યો ન હોવાથી ઓપરેટરોએ આ મામલે લગત અધિકારીઓ સમક્ષ અનેક ફરિયાદ કરવા છતાં કોન્ટ્રાકટર ગાંઠતો ન હોય અંતે નાયબ શ્રમ આયુક્ત કચેરીમાં ફરિયાદ કરતા લઘુતમ વેતનધારા ભંગ મુદ્દે હાલમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :સૂર્યકુમાર યાદવે કપ…ACC ચીફ મોહસીન નકવીની નકટાઈઃ ભારતને ટ્રોફી આપવા માટે રાખી આ શરત !
ઉલ્લેખનીય છે કે, મામૂલી પગારમાં નોકરી કરતા ઓપરેટરો જયારે પગાર ન ચૂકવવાના કિસ્સામાં કોન્ટ્રાક્ટરને ટેલિફોનિક ફરિયાદ કરે તો લાજવાને બદલે ગાજતો કોન્ટ્રાકટર કલેકટર તો શું મુખ્યમંત્રીને ફરિયાદ કરવી હોય તો કરવાની શેખી મારી મારુ બિલ પાસ થાશે ત્યારે પગાર ચૂકવીશ તેમ જણાવી રહ્યો હોવાની ફરિયાદ અગાઉ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી હોવા છતાં મામૂલી કોન્ટ્રાકટર સામે પગલાં ભરવામાં તંત્ર ઉણુ ઉતરી રહ્યું હોવાની છાપ ઉપસી રહી છે. બીજી તરફ આ જ કોન્ટ્રાકટર અગાઉ યશ એન્ટરપ્રાઈઝના નામે કોન્ટ્રાકટ ચલાવતો હતો ત્યારે પણ કલેકટર કચેરીના એક અધિકારીની કૃપાથી કોમ્પ્યુટર ઓપરેટરોનું શોષણ કરતો હતો અને આજે પણ વટથી ઓપરેટરોને પગાર ન ચૂકવી સરકારી બાબુઓની છુપી મજબુરીનો લાભ લઈ વગર ટેન્ડરે આટલો મોટો કોન્ટ્રાકટ ચલાવી રહ્યો છે.
સરકારી કોમ્પ્યુટર -પ્રિન્ટરનો ઉપયોગ કરી નિયમ ભંગ
જિલ્લા કલેકટર કચેરી તેમજ અન્ય પ્રાંત અને તાલુકા મામલતદાર કચેરીમાં મેનપાવર સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ ધરાવનાર દેવીદાસ ટ્રસ્ટનો સંચાલકને તમામ કચેરીઓમાં નિયમ મુજબ પોતાના કોમ્પ્યુટર અને પ્રિન્ટર વાપરવાની શરત છે. જો કે, છેલ્લા ઘણા વર્ષોથી આ કોન્ટ્રાકટરના કોમ્પ્યુટર ઠોબારા થઇ ગયા હોવાથી સરકારી પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
છેલ્લા છ મહિનાથી પીએફની રકમ પણ જમા નથી કરી
જનસેવા કેન્દ્રના કોન્ટ્રાકટર દ્વારા ઓપરેટરોને છેલ્લા બે માસનો પગાર તેમજ અગાઉ માર્ચ માસનો પગાર નથી ચુકવ્યો ત્યારે આ કોન્ટ્રાકટરે છેલ્લા છ મહિનાથી ઓપરેટરોના પીએફના નાણાં પણ જમા કરાવ્યા ન હોવાનું તેમજ બોનસની રકમ પણ ન ચુક્વતો હોવાનું ઓપરેટરો જણાવી રહ્યા છે.
પુરવઠાના ઓપરેટરોને પણ પીએફ જમા નથી થતા
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રના ઓપરેટરોની જેમ જ પુરવઠા વિભાગના ઓપરેટરોના પગારમાં પણ નવા કોન્ટ્રાકટરે કાપ મૂકી દઈ છેલ્લા બેથી ત્રણ મહિનાથી પીએફના નાણાં જમા કરાવ્યા ન હોવાનું સામે આવ્યું છે.
