સૌરાષ્ટ્રમાં 7 મહિના રૂ.4.40 કરોડની ખનીજચોરી ઝડપાઇ : મોરબી મોખરે, ફ્લાઈંગ સ્ક્વોડે મોનિટરિંગ કરી કરોડોનો દંડ ફટકાર્યો
સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ખનીજ સંપદાનો ખજાનો પડેલો છે અને ખનીજચોરો સ્થાનિક તંત્રની સાંઠગાંઠથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતે આવેલ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા છેલ્લા સાત મહિનામાં સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં સપાટો બોલાવી રૂપિયા 4.40 કરોડ જેટલી ખનીજ ચોરી ઝડપી લીધી છે. જેમાં ખનનના 25, ખનીજ વહનના 169 અને ખનીજ સંગ્રહના એક કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, ફ્લાઈંગ સ્ક્વોડની કાર્યવાહીમાં સૌથી વધુ ખનીજચોરી મોરબી જિલ્લામાંથી 2 કરોડની ઝડપાઇ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અલગ અલગ જિલ્લામાં કિંમતી ખનીજનો ખજાનો ધરબાયેલ છે ત્યારે ખાસ કરીને હાલમાં બાંધકામ ઉદ્યોગ માટે મોટા પ્રમાણમાં રેતી તેમજ ઉદ્યોગો માટે જરૂરી ચાઈના ક્લે, ફાયર ક્લેની સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઇ રહી હોય રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં ખાણખનીજ વિભાગની સાથે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની ફ્લાઈંગ સ્ક્વોડ કચેરી કાર્યરત કરવામાં આવી છે. ખાસ કરીને ફ્લાઈંગ સ્ક્વોડ તંત્રની મિલીભગતથી ચાલતી ખનીજ ચોરી અટકાવવા કાર્યવાહી કરી રહી છે ત્યારે એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025 સુધીમાં ફલાઇંગ સ્ક્વોડ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનનના 25 કેસમાં 130.03 લાખ, ગેરકાયદેસર ખનીજ વહનના 169 કેસમાં રૂ.306.08 લાખ અને ગેરકાયદેસર ખનીજ સંગ્રહના એક કિસ્સામાં 3.49 લાખ મળી કુલ રૂપિયા 439.60 લાખ જેટલી ખનીજ ચોરી ઝડપી લીધી હતી.
નોંધનીય છે કે, ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સૌરાષ્ટ્રના નવ જિલ્લા પૈકી સૌથી વધુ ખનીજ ચોરી મોરબી જિલ્લામાંથી 2 કરોડ જેટલી પકડી પાડી હતી.ખાસ કરીને ખાણખનીજ વિભાગ અને ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ગેરકાયદે રીતે ખનીજના પરિવહન અને ખનન પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં આવે છે જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં સાડી રેતી, બ્લેક ટ્રેપ, સોફ્ટ મેટલ, બોલ ક્લે, ચાઈના ક્લે, બિલ્ડીંગ લાઇમ સ્ટોન, હાર્ડ મોરમ, ફાયર ક્લે અને સિલિકા સેન્ડની ખનીજ ચોરી કરવામાં આવતી હોય આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરવામાં આવે છે. મહત્વનું છે કે, હાલમાં બોક્સાઇડના ખનન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે છતાં પણ છાને ખૂણે ખનીજ ચોરી થતી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
