ગુજરાતમાંથી ચોમાસાની ઓફિશિયલ વિદાય હવામાન ખાતાએ કરી જાહેરાત : ખેલૈયાઓને હાશકારો
ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, હવામાન વિભાગ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાતા વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આ જાહેરાતથી નવરાત્રીમાં ગરબે રમવા થનગની રહેલા ખેલૈયાઓ તેમ જ નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા આયોજકોએ હાશકારો અનુભવ્યો છે. ઘણી નવરાત્રીમાં પહેલા જ દિવસે એક જોરદાર વરસાદી ઝાપટું આવી જાય તો પણ આખો માહોલ બગડી જતો હોય છે. આયોજકો અને ખેલૈયાઓએ ઘણા પૈસા ખર્ચી તૈયારી કરી હોય છે આથી વરસાદને લીધે તેના પર પાણી ફરી વળે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યમાં હવામાન સામાન્ય રહેવાની સંભાવના છે અને આગામી દિવસોમાં તાપમાન 22થી 24 ડિગ્રી સેલ્શિયસ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કહ્યું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરના બે મહિના ટ્રાન્ઝેશન પિરીયડ કહેવામાં આવે છે તેથી તાપમાનમાં વધારે ફેરફાર જોવા મળતો નથી. આ દરમિયાન ઠંડી અને ગરમીનું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડકનો અનુભવ થાય છે.
જોકે ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુને લીધે બીમારીનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતના મોટા ભાગના શહેરોની હૉસ્પિટલોમાં મલેરિયા, ટાઈફોડ, ડેંગ્યું જેવા રોગના દરદીઓની કતારો લાગી છે. વળી સખત ગરમીને લીધે લોકો બહારના ઠંડાપીણા પીવે છે જેથી પાણીજન્ય રોગનું પ્રમાણ પણ વધ્યું છે. આથી લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.