ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી
ભાવનગરના ઘોઘામાં 4 ઈંચ, ભાવનગરમાં સવા 3 ઈંચ, કોડીનાર, સિહોરમાં અઢી-અઢી ઈંચ
મેઘરાજાએ વિદાય વેળાએ ભાદરવામાં મહિનામાં નવો વરસાદી રાઉન્ડ શરૂ કર્યો છે ત્યારે ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ ગુરુવારે ફરી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સટાસટી બોલવતા ભાવનગરના ઘોઘામાં 4 ઈંચ, ભાવનગરમાં સવા 3 ઈંચ, કોડીનાર, સિહોરમાં અઢી-અઢી ઈંચ સહિત રાજ્યના કુલ 135 તાલુકાઓમાં સાંજના 6 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો હતો.
મહારાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ગુરુવારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં બુધવારે મોડીરાત્રી બાદ વરસાદ વરસ્યો હતો અને ગુરુવારે સવારથી ફરી મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરૂ કરતા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ ગુરુવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ ભાવનગરના ઘોઘામાં 103 મીમી, ભાવનગરમાં 80 મીમી, ગીર સોમનાથના કોડીનારમાં 64 મીમી, ભાવનગરના શિહોરમાં 63 મીમી,વલસાડના ઉમરગામમાં 51 મીમી, નવસારીના ખેરગામમાં 50 મીમી,ભાવનગરના મહુવા અને પાલીતાણામાં 49-49 મીમી, જાફરાબાદ અને ગીરગઢડામાં 44-44 મીમી, માળીયા હાટીનામાં 40 મીમી, તાલાળામાં 37 મીમી, જૂનાગઢના ભેસાણમાં 33 મીમી, રાજકોટના ઉપલેટામાં 12 મીમી સહિત કુલ 135 તાલુકાઓમાં 1 મીમીથી લઈ 103 મીમી વરસાદ વરસ્યો હતો.
રાજકોટમાં મધ્યરાત્રીએ ગાજવીજ સાથે ધોધમાર
રાજકોટ શહેરમાં બુધવારે મધ્યરાત્રી બાદ મેઘરાજાએ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ધોધમાર એક ઈંચથી વધુ વરસાદ વરસાવ્યા બાદ ગુરુવારે પણ દિવસભર રેડા ઝાપટા ચાલુ રહેતા બુધવારે રાત્રે અઢી વાગ્યા બાદથી ગુરુવાર સાંજના છ વાગ્યા સુધીમાં મહાનગર પાલિકાના સેંન્ટ્રલ ઝોનમાં 34 મીમી તેમજ ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં 15-15 મીમી વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે.