મેઘરાજા ફરી કરી રહ્યા છે બેટિંગની તૈયારી : નવરાત્રી ઉપર જોખમ
બની રહી છે મજબૂત સિસ્ટમ, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદ પડશે , નવેમ્બર સુધીમાં ચક્રવાતની પણ અંબાલાલની આગાહી
આખો ઓગસ્ટ મહિનો કોરો ગયા પછી હવે મેઘરાજા ફરી ગુજરાત તરફ વળ્યા છે અને રાજ્યના કેટલાક ભાગોમાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળતા લોકો ગેલમાં આવી ગયા છે. ત્યારે હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે. આ તારીખો જોતા આ વખતે નવરાત્રીના તહેવારો ઉપર વરસાદ વેરી બની શકે છે.
તેઓએ ગરમીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના રોજ ભારે પવન ફુકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.