મેઘો મુશળધાર : છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ, આજે રાજ્યના 3 જિલ્લામાં રેડ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી
રાજ્ય એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ રાજ્યના અન્ય વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને પગલે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13.31 ઈંચ નોંધાયો છે. જ્યારે કેશોદમાં 11.22 ઈંચ, વંથલીમાં 10.29 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, માણાવદરમાં 8.23 ઈંચ, ચિખલીમાં 7.83 ઈંચ, કપરાડામાં 7.83 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ, રાણાવાવમાં 6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 5.98 ઈંચ, જલાલપોરમાં 5.79 ઈંચ, વરસાદ નોંધાયો હતો. જ્યારે 103 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

આ ત્રણ જિલ્લામાં રહેશે રેડ એલર્ટ
અરવલ્લી, મહીસાગર અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે દરિયામાં કરંટ જોવા મળતા દરિયાકિનારાના વિસ્તારોમાં સુરક્ષાના ભાગરૂપે સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

21મી-22મી ઓગસ્ટની આગાહી
એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 21-22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે.

રાજકોટ જિલ્લામાં એકથી 60 મીમી વરસાદ
બુધવારે રાજકોટ શહેર જિલ્લામાં વરસાદના ઓરેન્જ એલર્ટ વચ્ચે સવારે દસ વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને સાંજના છ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં 60 મીમી, પડધરી અને કોટડા સાંગાણીમાં 26-26 મીમી, લોધીકામાં 18 , ગોંડલમાં 16 , ધોરાજીમાં 15 , જેતપુરમાં 10 , ઉપલેટામાં 5 , જસદણમાં 02 અને વિછિયામાં એક મીમી વરસાદ નોંધાયો હતો.

કેશોદના મઘરવાડા ગામમાં 22 લોકો ફસાયા
જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કેશોદ પંથકમાં ધોધમાર વરસાદને પગલે મઘરવાડા ગામમાં રર લોકો ફસાયા હોવાનું સામે આવતા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ મઘરવાડા અને ડેરવાળ ગામમાં પણ ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણા બન્યા હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં હાલ 67 ડેમ હાઇ એલર્ટ પર
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 71.31 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69 ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ રાજ્યના 67 ડેમ હાઇએલર્ટ ઉપર છે.30 ડેમ એલર્ટ ઉપર છે તેમજ 19 ડેમ હાઈ એલર્ટ ઉપર હોવાનું જણાવાયું છે.
