અમરેલી-ભાવનગર જિલ્લાને મેઘરાજાએ શિયાળામાં ધમરોળ્યાઃ રાજુલામાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ, મહુવામાં 8 ઈંચ વરસાદ, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
દિવાળીનું પર્વ પૂર્ણ થતાં જ માવઠારૂપી આફત વરસવાનું શરૂ થઈ જતાં હજારો ખેડૂતોની હાલત કફોડી થઈ જવા પામી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. ભાવનગરના મહુવામાં આભ ફાટ્યું છે. મહુવામાં 24 કલાકમાં 8 ઈંચ વરસતા જનજીવન ખોરવાયું છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પાણી વહેતાં થયાં છે. ધાતરવાડી ડેમ-2ના 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીઓના પાણી ગામોમાં ઘૂસ્યાં છે. દરમિયાન રવિવારે ગીર-સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત તો ખેડૂતોને પડ્યા ઉપર પાટું લાગ્યું હતું. ત્યારે આજે પણ અમરેલી, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો તો આજની વાત કરીએ તો આજે સવારના 6થી 8 વાગ્યા સુધીનો રાજ્યના 121 તાલુકામાં માવઠું વરસ્યું છે. બે કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં 6 ઈંચ તો સૌથી ઓછો પાટણના સમીમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં 7.68 ઈંચ અને સિહોરમાં 5 ઈંચ જેટલો નોંધાયો હતો. જ્યારે પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઈંચ, વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આજે રાજ્યમાં 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ગીર-સોમનાથ, દિવ સહિતના સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવાં આવ્યું છે.
આ પણ વાંચો :વારાણસી-અમદાવાદની રાજકોટ ડાયવર્ટ કરેલી ફલાઇટનો મામલો : પાયલોટની ડયુટી અંગે થયો ખુલાસો, જાણો શું છે સમગ્ર ઘટના
આ જિલ્લામાં યલો એલર્ટ
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
