સોમનાથ મંદિર આસપાસ મેગા ડિમોલિશન: ૧૩૦ની અટકાયત
સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે બાંધકામો તોડવાનું શરૂ
મસ્જિદ-મકાનો સહિતના દબાણો પર બૂલડોઝર ફેરવી દેવાયું: સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી ધણધણાટી આજે પણ ચાલશે
ત્રણ એસપી, ચાર ડીવાયએસપી સહિતના ૮૦૦થી વધુ પોલીસ અધિકારીઓ-જવાનોનો કાફલો સ્થળ પર તૈનાત
હાજી મંગરોલીશા પીર, સિપે સાલાર, મસ્તાનશા બાપુ સહિતના ધાર્મિક સ્થળે દબાણો તોડી પડાયા: ૬૦ કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ
કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મંદિર આસપાસની કરોડો રૂપિયાની જમીન પર વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો ખડકાઈ ગયા હોય તેને તોડવાનું શરૂ કરવામાં આવતાં જ હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે જડબેસલાક પોલીસ બંદોબસ્ત તૈનાત હોવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ આકાર લઈ શક્યો ન્હોતો. આ બધાની વચ્ચે ડિમોલિશન અટકાવવા પ્રયાસ કરનાર તેમજ કાંકરિચાળો કરવાની ફિરાકમાં રહેલા ૧૩૦ લોકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરી લેવામાં આવી હતી.
સોમનાથ મંદિર આસપાસની જગ્યામાં ડિમોલિશન કરવા માટે આગોતરું આયોજન કરી લેવામાં આવ્યું હતું. શુક્રવારે મધરાત્રે જ પોલીસ કાફલો તૈનાત થઈ ગયો હતો જેથી કરીને કોઈ પ્રકારની અડચણ ન આવે. પોલીસે સઘળી સ્થિતિ કાબૂમાં લઈ લીધા બાદ વહેલી સવારે પાંચ વાગ્યાથી બૂલડોઝરે ધણધણાટી બોલાવવાનું શરૂ કરી દઈને એક બાદ એક ગેરકાયદે બાંધકામ તોડ્યા હતા. આ ડિમોલિશન હજુ આજે પણ ચાલનાર છે ત્યારે અબજો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવશે.
દરમિયાન મેગા ડિમોલિશનને ધ્યાનમાં રાખી સ્થળ પર મેજિસ્ટે્રટ ઉપરાંત ત્રણ જિલ્લાના પોલીસ વડા, ૪ ડીવાયએસપી, ૧૨ પીઆઈ ૨૪ પીએસઆઈ, ૭૭૮ પોલીસ-એસઆરપીએફના જવાનોએ મોરચો સંભાળી લીધો હતો. આ ડિમોલિશન હાજી મંગરોલીશા પીર, હઝરત માઈપુરી, સિપે સાલાર, મસ્તાનશા બાપુ, જાફર મુઝાફર અને ઈદગાહ સહિતના ધાર્મિક સ્થાન જ્યાં આવેલા છે ત્યાં કરવામાં આવ્યું હતું. ડિમોલિશન માટે ૩૦ જેસીબી, ૫ હિટાચી, ૫૦ ટે્રક્ટર, ૧૦ ડમ્પર સહિતના કાફલાને તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ૬૦ કરોડથી વધુની જમીન શનિવારે જ દબાણમુક્ત કરી દેવામાં આવી હતી જેમાં ૬થી વધુ ધાર્મિક સ્થળો પણ સામેલ હતા.
શાંતિપૂર્વક માહોલમાં ડિમોલિશન કાર્યવાહી થઈ રહી છે: એસપી જાડેજા
ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વહેલી સવારે પાંચ વાગ્યાથી ડિમોલિશન શરૂ કરાયું હતું. જો કે જવાનોએ મોડીરાત્રીથી જ બંદોબસ્ત સંભાળી લીધો હતો. પોલીસ દ્વારા કોઈ પ્રકારની સ્થિતિ ન બગડે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. એકંદરે અત્યારે શાંતિપૂર્વક માહોલ વચ્ચે ડિમોલિશન કાર્યવાહી ચાલી રહી છે જે આજે (રવિવારે) પણ યથાવત રહેશે. શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૧૩૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.
ગીર-સોમનાથમાં અગાઉ ફરજ બજાવી ગયેલા પીઆઈને પણ તૈનાત રખાયા
મેગા ડિમોલિશન કરવાનું હોવાથી કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ આકાર ન લઈ જાય તે માટે પૂરતી તૈયારી કરી લેવામાં આવી હતી. ત્રણ જિલ્લામાંથી એસપી સહિતના અધિકારીઓ ઉપરાંત પીઆઈને ગીર સોમનાથમાં તૈનાત કરાયા હતા. આ ઉપરાંત અહીં અગાઉ ફરજ બજાવી ગયેલા પીઆઈને પણ બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી હતી.