502 દિવસ બાદ એમ.ડી.સાગઠિયા જેલમુક્ત : જેલવાસ બાદ પહેલી દિવાળી પરિવાર સાથે ઉજવશે
રાજકોટ જ નહીં બલ્કે આખા દેશને હચમચાવી નાખે તેવી ગોઝારી દૂર્ઘટના 25 મે-2024ના નાનામવા રોડ પર આવેલા ટીઆરપી ગેઈમઝોનમાં બની હતી. અહીં લાગેલી ભયાનક આગમાં 27 નિર્દોષ લોકો ભુંજાઈ ગયા બાદ ગેઈમઝોન સાથે સંકળાયેલા તેમજ ગેરકાયદેસર હોવા છતાં ગેઈમઝોન સામે કાર્યવાહી કરવામાં આંખમીચામણા કરનારા મહાપાલિકાના અધિકારીઓને પકડવામાં આવ્યા હતા. ગેઈમઝોન સામે કાર્યવાહી કરવામાં ટાઉન પ્લાનિંગ વિભાગની વરવી ભૂમિકા સામે આવતા એ સમયના ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) એમ.ડી.સાગઠિયાની ધરપકડ કરી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ પછી તેમની સામે બોગસ મિનિટસ બુક તૈયાર કરવા તેમજ અપ્રમાણસર મિલકત વસાવવાના ગુના પણ દાખલ થયાના 502 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ આખરે સાગઠિયા જેલમુક્ત થયા હતા.
એમ.ડી.સાગઠિયા સામે સૌથી પહેલો ગુનો પોતાની ફરજ પ્રત્યે બેદરકારી રાખવાનો નોંધાયો હતો. આ ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી લાખો પાનાનું ચાર્જશીટ તૈયાર કર્યું હતું. આ ગુનામાં જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી સાગઠિયા લાંબા થયા બાદ આખરે સુપ્રીમ કોર્ટમાંથી તેમને આ ગુનામાં જામીન મળી ગયા હતા. આ પછી અન્ય એક ગુનો ક્રાઈમ બ્રાન્ચે સાગઠિયા સામે બોગસ મિનિટસ બુક તૈયાર કરવાનો નોંધ્યો હતો. સાગઠિયા તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અન્ય અધિકારીઓ દ્વારા ગેઈમ ઝોન સામે કાર્યવાહી કરવામાં પોતે બચી જાય એટલા માટે બોગસ મિનિટસ બુક તૈયાર કરી હતી. આ કેસમાં સાગઠિયાને સેશન્સ કોર્ટ તરફથી જામીન મળી ગયા હતા. જ્યારે એસીબી દ્વારા સાગઠિયા સામે 28 કરોડની બેનામી મિલકત વસાવવાનો ગુનો દાખલ કરાયા બાદ આ ગુનામાં જામીન મેળવવા માટે સાગઠિયાએ હાઈકોર્ટમાં અરજી કરતા આ ગુનામાં પણ તેમને જામીન મળી જતાં ત્રણેય ગુનામાં હાલ તેઓ જામીન પર મુક્ત થઈ ગયા છે.
આ પણ વાંચો :રાજકોટમાં 2 વર્ષનું બાળક કેન્સર સામે જંગ હારી ગયું! દાખલ થયાના 3 દિવસ બાદ માતા રજા લીધા વગર જ ઘેર લઈને જતી રહી
અત્રે ઉલ્લેખનીય છે કે સાગઠિયાની 30 મે 2024ના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી લઈ આજ સુધી તેઓ 502 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ આખરે જેલમુક્તિ મળી હતી. સાગઠિયાએ ગત દિવાળી જેલમાં જ ઉજવી હતી જ્યારે આ વખતની દિવાળી તેઓ પરિવાર સાથે ઉજવશે.
સાગઠિયા ઉપરાંત અગાઉ તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર ઉપરાંત એટીપી જયદીપ ચૌધરી, મુકેશ મકવાણા, રાજેશ મકવાણા, ગૌતમ જોષી ઉપરાંત જમીન માલિક અશોકસિંહ જાડેજા સહિતનાને ગેઈમઝોન સંબંધિત ગુનામાં જામીન મળી ચૂક્યા છે.
