ગુજરાતમાં માવઠાનું સંકટ: કમોસમી વરસાદને લઈને રાજ્યના 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, કરા સાથે વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને હવામાન વિભાગે વરસાદની આગાહી કરતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન ખાતાએ કમોસમી વરસાદની આગાહી કરી હતી તે સાચી ઠરી છે અને અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હજુ પણ વરસાદ વરસી શકે છે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે-સાથે 9 જિલ્લામાં રેડ ઍલર્ટ પણ આપવામાં આવ્યું છે તો 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે મોડી રાતથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકતા ધૂળની ડમરીઓ ઊડી હતી. હવામાન વિભાગે આ દરમિયાન ત્રણ કલાકનું નોકકાસ્ટ (Nowcast) જાહેર કર્યું છે, જેમાં અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

9 જિલ્લાઓમાં રેડ એલર્ટ
હવામાન વિભાગના નોકકાસ્ટ મુજબ, આજે (19 માર્ચ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જિલ્લાઓમાં પવનની ઝડપ 62થી 87 કિ.મી. પ્રતિ કલાક રહેશે અને કમોસમી વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં પવનની ઝડપ 41થી 61 કિ.મી. પ્રતિ કલાક રહેશે. આ સાથે કમોસમી વરસાદ, મેઘગર્જના અને કરા પડવાની શક્યતા પણ છે.

ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારી, વલસાડ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
