પરમાણુ બોમ્બ બનાવવાની સામગ્રી ગુજરાતમાં ઘૂસાડી !
હદ થઈ ગઈ…શસ્ત્રો, હથિયાર અને માદક પર્થાો પછી હવે દેશવિરોધી તાકાતોએ
જોખમી પદાર્થ ગુજરાતથી બિહાર પહોંચ્યા બાદ ગોપાલગંજ પોલીસે પકડી પાડ્યો, ત્રણની ધરપકડ
મુળ ઉત્તરપ્રદેશના અને હાલ ગુજરાતમાં રહેતાં ખજાંચીપ્રસાદ નામના શખ્સને શોધવા બિહાર, યુપી અને ગુજરાત પોલીસની દોડધામ
રેડિયોએક્ટિવ પદાર્થની કિંમત ૮૫૦ કરોડ
ગુજરાતના દરિયાકાંઠેથી શસ્ત્રો, વિસ્ફોટક પદાર્થ અને નશીલા પદાર્થો લાવવામાં આવે છે તે તો જગજાહેર છે પણ હવે એક અત્યંત ચોંકાવનારા કિસ્સામાં પરમાણુ બોમ્બ બનાવવા માટે અત્યંત ઉપયોગી એવો કેલિફોર્નિયમ નામનો રેડિયોએક્ટિવ પદાર્થ ગુજરાતના કાંઠાના વિસ્તારમાંથી દેશમાં ઘૂસાડવામાં આવ્યો છે. બિહારના ગોપાલગંજમાં ત્રણ શખસો અંદાજે ૮૫૦ કરોડની કિંમતના આ જોખમી પદાર્થ સાથે પકડાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને બિહાર પોલીસની એક ટીમ ગુજરાત આવી છે તો બીજી તરફ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની એક ટીમ મુંબઈથી ગોપાલગંજ પહોંચી છે. ગોપાલગંજના એસપી સ્વર્ણ પ્રભાતના જણાવ્યા અનુસાર આ શંકાસ્પદ પદાર્થ ગુજરાતથી બિહાર પહોંચ્યો છે અને અમારી તપાસ ચાલું છે.
બિહારની ગોપાલગંજ પોલીસે રેડિયોએક્ટિવ પદાર્થ કેલિફોર્નિયમ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલ રેડિયો એક્ટિવ સામગ્રીનું વજન લગભગ ૫૦ ગ્રામ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૮૫૦ કરોડરૂપિયામાં આવી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
એસપીએ કહ્યું કે કેલિફોર્નિયમ એ પ્રતિબંધિત રેડિયોએક્ટિવ પદાર્થ છે જેની દાણચોરી કરવામાં આવી રહી હતી. આ કિરણોત્સર્ગી પદાર્થનો ઉપયોગ પરમાણુ પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવા અને મગજના કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર માટે થાય છે. આ હેરાફેરીમાં સામેલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જેમાં મુખ્ય તસ્કર છોટેલાલ પ્રસાદ ઉત્તરપ્રદેશના કુશીનગરનો રહેવાસી છે. જ્યારે અન્ય બે શખ્સો ચંદન ગુપ્તા અને ત્રીજો ૨૮ વર્ષીય ચંદન રામ છે.
પકડાયેલા કેલિફોર્નિયમની ૧ ગ્રામની કિંમત ૧૭ કરોડ રૂપિયા છે. આ પ્રકારે ૫૦ ગ્રામ પદાર્થની કિંમત ૮૫૦ કરોડ રૂપિયા ગણવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. આ પછી ડિપાર્ટમેન્ટ ઑફ એટામિક એનર્જીને પણ જાણ કરવામાં આવી છે.
આ પદાર્થનો ટેસ્ટ આઈઆઈટી-મદ્રાસમાં કરવામાં આવ્યો હતો. ગોપાલગંજ પોલીસે આ મામલે પોંડીચેરી પોલીસનો પણ સંપર્ક કર્યો છે. પકડાયેલા ત્રણ પૈકી બે શખ્સો લાઈનર તરીકે કામ કરતા હતા જ્યારે મુખ્ય દાણચોર યુપીના કુશીનગરનો છોટાલાલ પ્રસાદ છે.
દાણચોરો ઘણા દિવસથી પદાર્થ વેચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા
એસપી સ્વર્ણ પ્રભાતે જણાવ્યું કે દાણચોરો ઘણા દિવસથી કેલિફોર્નિયમ નામનો પદાર્થ વેચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જો કે તેમને કોઈ ગ્રાહક મળી રહ્યું ન્હોતું. આ પછી બિહારની સિવાન જેલમાં બંધ એક આરોપી ફોન ઉપર કેલિફોર્નિયમને ગુજરાથી બિહાર લાવવા માટે માર્ગદર્શન આપી રહ્યો હતો. પકડાયેલા છોટેલાલ પ્રસાદના ફોન ઉપર સિવાન જેલમાંથી વારંવાર ફોન આવી રહ્યા હોવાથી હવે તેના આધારે પોલીસ જેલમાંથી તે શખ્સનો કબજો મેળવશે.
તસ્કરો સુધી કેલિફોર્નિયમ પહોંચ્યું કેવી રીતે ?
કેલિફોર્નિયમ એક રેડિયોધર્મી પદાર્થ છે જેનો ઉપયોગ પરમાણુ હથિયાર બનાવવામાં માટે કરવામાં આવતો હોય છે. આ પદાર્થ અમેરિકા અને રશિયા જેવા દેશોમાં બનાવવામાં આવે છે અને સમજૂતિ હેઠળ બીજા દેશોને આપવામાં આવે છે. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે કેલિફોર્નિયમ આ લોકો પાસે આખરે પહોંચ્યું કેવી રીતે ? આ મામલે વિદેશી કનેક્શન હોવાથી આશંકા પણ છે સાથે સાથે ભારતના કોઈ વીજ ઉત્પાદન કેન્દ્ર અથવા તો પરમાણુ અનુસંધાન કેન્દ્રમાંથી ચોરી કરવામાં આવી હોઈ શકે છે. આ તપાસ કરવા માટે ભાભા એટોમિક સેન્ટરની એક ટીમ ગોપાલગંજ પહોંચી ચૂકી છે.
ચોથો આરોપી ગુજરાતમાં ઈલેક્ટ્રિશ્યનનું કરે છે કામ
એસપી સ્વર્ણ પ્રભાતે જણાવ્યું કે આ કાંડમાં સામેલ ચોથો આરોપી ખજાંચીપ્રસાદ ગુજરાતમાં ઈલેટ્રિક્શ્યનનું કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અત્યારે તે ગુજરાતમાં જ કોઈ જગ્યાએ છુપાઈ ગયો હોવાથી તેને શોધવા માટે લોકેશનના આધારે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ માટે બિહાર પોલીસ સાથે ગુજરાત પોલીસની પણ અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે.