સુરતમાં મકાનમાં લાગી ભીષણ આગ: ધુમાડામાં એક બાળક સહિત 5ના મો*ત, રૂમમાં 8 ટન સાડીનું મટિરિયલ-ઘરમાં 2 ગેસના બાટલા પણ હતા
સુરતના લીંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે બેઠી કોલોનીમાં આવેલા બે મળાના મકાનમાં મંગળવારે સવારના સમયે ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આગ અને અંદર ધુમાડાના કારણે ઘરમાં ચાર વર્ષના બાળક અને ચાર મહિલા મળી એક જ પરિવારના પાંચ-પાંચ સભ્યોના મૃત્યુ નિપજ્યા હતાં. બે ફાયર સ્ટેશનના ફાયર ફાયટરો, સ્ટાફે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. મકાનમાં સાડીમાં ચરક કે આવું કામ કરાતુ હોવાથી અંદર સાડીનો તેમજ કેમિકલનો મોટો જથ્થો પડ્યો હતો જેને લઇને આગે ઝડપથી વિકરાળ રૂપ લઇ લીધુ હતું અને કેમિકલ, ફોર્મના કારણે ભારે ઝેરી ધુમાડો ફેલાયો હતો. જેથી પાંચેય વ્યક્તિ અંદર જ ગુંગળાઇ ગયા, દાઝ્યાનું તંત્રનું પ્રાથમિક અનુમાન છે.
જાળવા મળતી વિગતો મુજબ મકાનમાં આગ ભભુકતા અંદર ધુમાડાના ગોટેગોટા થઇ ગયા હતાં. આગ બેમાળ સુધી પહોંચી હતી. આસપાસમાં પણ ઝેરી ધુમાડા અને આગને લઇને નાસભાગ જેવું થઇ પડ્યું હતું. બે ફાયર સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આગ બુઝાવી હતી. અંદર મકાનમાં જતાં પાંચ વ્યક્તિ બેશુધ્ધ પડી હતી. તબીબોએ ચકાસતા પાંચેયને મૃત જાહેર કર્યા હતાં. મકાનમાં રહેતા અંસારી પરિવારના ચાર વર્ષીય બાળક શુભાન રમઝાન અલી અંસારી, તેની માતા શબીના રમઝાન અલી (ઉ.વ.૨૮) તેમજ વૃધ્ધા શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉ.વ.૬૫) તેમની બે યુવાન પુત્રી હુસા બેગમ (ઉ.વ.૧૮) તથા પરવીન (ઉ.વ.૧૯) પાંચેયને ઘરમાંથી બહાર નીળકવાનો કે બચવાનો કોઇ મોકો મળ્યો નહોતો. ધુમાડા તથા આગમાં જીવ ગુમાવ્યા હતાં.
મકાનમાં સાડીનું કામકાજ ચાલતું હોવાથી અંદર સાડીનો વર્ક માટેનો મોટો જથ્થો હતો. પેકીંગ ફોર્મ તથા કેમિકલનો પણ જથ્થો પડ્યો હતો. સ્વીચ બોર્ડમાં સ્પાર્ક થતા સાડીના પેકીંગ મટિરિયલમાં આગ લાગી હતી. કેમિકલ ફોર્મના કારણે અંદર ઝેરી ધુમાડો થઇ ગયો હતો. જેના કારણે ગુંગળાવાથી મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવાયુ છે. બનાવના પગલે એડી. સી.પી. બલરામ મીણા, ફોરેન્સિક એક્ષ્પર્ટ સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ પણ હાથ ધરાઇ છે.
ઘટનાના પગલે પરિવાર સાથે વિસ્તારમાં પણ માતમ જેવો માહોલ છવાયો છે. બેઠી કોલોની વિસ્તાર સાંકળી શેરી માર્ગ હોવાથી ફાયર બ્રીગેડના સ્ટાફને વાહનો સાથે પહોંચવામાં મુશ્કેલી થઇ પડી હતી.
