ચોટીલા પાસે બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત : ચાર સગી દેરાણી-જેઠાણીના મોત, 18 લોકો ઇજાગ્રસ્ત
રાજ્યમાં અકસ્માતમાં ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ચોટીલા પાસે સામે આવી છે જેમાં બોલેરો પિકઅપ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થતાં 4 લોકોના મોત નિપજ્યાં હતા અને 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે લોકો ઉમટ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એક જ ઘરના 4 સભ્યોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ચોટીલા પાસે આવેલ આપાગીગાના ઓટલા પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. લીમડીના શિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર 4 સગા દેરાણી જેઠાણીના મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો સોમનાથ પિતૃ તર્પણ માટે અર્થે જઈ રહ્યા હતા. દરમિયાન ચોટીલા-રાજકોટ હાઈવે પર મોલડી પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ભયાનક ટક્કર થતાં પીકઅપમાં સવાર ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ચારેય મહિલાઓ સગી દેરાણી જેઠાણી છે.