સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના : આર્થિક સંકડામણને કારણે પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, જાણો શું છે સમગ્ર મામલો
સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં શહેરના અમરોલી વિસ્તારમાં પરિવારના ત્રણ સભ્યએ એક સાથે જીવન ટૂંકાવી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવમાં આવ્યા હતા. ત્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લેણદારોથી કંટાળી જીવન ટૂંકાવ્યું
પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ, પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં જોડાયેલા હતાં. પરંતુ, હીરા ઉદ્યોગમાં આર્થિક મંદીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનવું પડ્યું હતું. પરિવારે થોડા સમય પહેલાં ફ્લેટ લીધો હતો. જેના ચાર હપ્તા ચઢી ગયા હતાં. આ સિવાય રોજગાર છીનવાઈ જવાના કારણે અન્ય જગ્યાએથી પણ પૈસા ઉધાર લીધા હતાં. આ તમામ આર્થિક સંકડામણમાં ફસાઈ જવાના કારણે ભરતભાઇ સસાંગિયા (પુત્ર), વનિતા સસાંગિય (પત્ની) અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ પગલું ભર્યું હતું. ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતાં હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મામલે જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તપાસ દરમિયાન તેમને સુસાઇડ નોટ મળી હતી. આ સુસાઇડ નોટમાં પરિવારને પરેશાન કરતાં અનેક લોકોના નામ પણ લખવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી છે. સુસાઇડ નોટ તેમજ આસપાસના લોકો સાથે પૂછપરછ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.