મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં માહેશ્વરી સંગિની સંગઠન દ્વારા અંગદાન માટે સામૂહિક પ્રતિજ્ઞા
માહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા રચિત “માહેશ્વરી સંગિની સંગઠન” લગભગ છેલ્લા દસ વર્ષથી સામાજીક, ધાર્મિક, અને મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરતું એક જાગરૂક સંગઠન છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાના ભાગ રૂપે ટ્રેડ ફેર “સમૃદ્ધિ23″નું આયોજન કરવામાં આવ્યું છે, આ ભવ્ય કાર્યક્રમમાં વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે ના અનુસંધાનમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હાજર રહેલા અતિથીઓએ અંગદાન કરવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે “અંગદાન મહાદાન છે, માહેશ્વરી સંગિની સંગઠન અને માહેશ્વરી સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલી અંગદાન માટેની આ પહેલનુ અમે સ્વાગત કરીએ છીએ, તેમજ આવા સમાજ ઉપયોગી કાર્યો માટે અમે શક્ય તમામ મદદ અને પ્રોત્સાહન આપવા તત્પર છીએ.
“આઇકેડી”ના ડો. વિનિત મિશ્રાએ જણાવ્યું કે એક વ્યક્તિના જુદા જુદા ઓર્ગનના ડોનેશનથી 8 વ્યક્તિઓના જીવન બચાવી શકાય છે.
આ પ્રસંગે માહેશ્વરી સંગિની સંગઠનના પ્રમુખ શ્રીમતી જ્યોતિ લાહોટીએ જણાવ્યું કે અંગદાન મહાદાન છે, જયારે મહિલાઓ અંગદાન માટે જાગરૂક થાય છે, ત્યારે તેઓ તેમના પરિવારમાં પણ તે અંગેની જાગૃતિ લાવે છે, અને આમ સમગ્ર સમાજ અને દેશમાં અંગદાન વિષે જાગૃતિ ફેલાવવામાં મહિલાઓ મહત્વનું યોગદાન આપી શકે છે, અને આજે માહેશ્વરી સંગિની સંગઠને આ દિશામાં એક મહત્વની પહેલ કરી છે.

આ વિમેન્સ ટ્રેડ ફેરનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્ષે ટ્રેડ ફેર “સમૃદ્ધિ23″માં મહિલા ઉદ્યમીઓ દ્વારા લગભગ ૮૦ થી ૧૦૦ સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા છે જેમાંં ખાદી, ક્રાફ્ટ, ડેકોર, ગારમેન્ટ, ફુડ, રાખી સહિત વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
ઉપરાંત “સમૃદ્ધિ23″માં આ વખતે આઝાદીના 75 વર્ષ અને અમરુત મહોત્સવ નિમિત્તે ખાદીને વિશેષ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે, ઉપરાંત સિવિક રાઈટ્સ એન્ડ ડ્યુટીસ, હેલ્થ અવેરનેસ, ફ્રી હેલ્થ ચેકઅપ અંગેના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
૧૨ અને ૧૩ ઓગષ્ટ ૨૦૨૩ સુધી ચાલનાર આ કાર્યક્રમનું આયોજન માહેશ્વરી સેવા સમિતિ શાહીબાગ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.