ગુજરાતના બજેટમાં મહિલાઓ માટે અનેક સોગાત : વિધવાને મહિને રૂ.1250ની સહાય, જાણો મહિલાઓને શું શું મદદ મળશે ?
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર કરાયું છે જેમાં વિધવા બહેનોને દર મહિને અપાતી ૧૨૫૦ રૂપિયાની સહાય આ વર્ષે પણ યથાવત રાખવામાં આવી છે અને આ માટે ૩૦૧૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી દર મહિને બે કિલો ચણા, એક કિલો દાળ, એક લીટર તેલ આપવા માટે ૩૭૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભાઓ, ધાત્રી માતાઓને ૧૩૩ કરોડના ખર્ચે ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવશે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે શું શું ફાળવણી
– આંગણવાડી કાર્યકર-તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનના વેતન માટે ૧૨૪૧ કરોડ
– ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન, બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે ૯૭૩ કરોડ
– પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓમાં કુપોષણ ઘટાડવા, હિમોગ્લોબીન વધારવા પૂર્ણા શક્તિના પેકેટના વિતરણ માટે ૩૩૫ કરોડ
– વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય માટે ૨૧૭ કરોડ
– વર્કિંગ વિમેન હોસ્ટેલના બાંધકામ માટે ૬૯ કરોડ
મહિલાઓ માટે ‘સખી સાહસ’ યોજના, ૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી
મહિલાઓની આત્મનિર્ભરતા માટે મંત્રીએ નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત હવે મહિલાઓને સાધન સહાય, લૉન ગેરંટી તથા તાલીમ આપવા ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. એટલે કે રાજ્યની મહિલાઓને આમાં અનેક રીતે મદદ મળી રહેશે. બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વૂમન હૉસ્ટેલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઇંધણને બદલે એલ.પી.જી.ના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના” અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવી છે.