પહલગામ આતંકી હુમલામાં અનેક પરિવારોના માળા વીંખાયા, કાશ્મીર ફરવા ગયા અને અનેક સ્વપ્નો અધૂરા રહી ગયા
પહેલગામ આતંકી હુમલામાં 26 અમૂલ્ય માનવ જિંદગીઓનો ભોગ લેવાયો. આ બધાનો શું વાંક હતો ? એ બધા તો બાળકો, પત્ની, પરિવારજનો અને મિત્રો સાથે કાશ્મીરના સૌંદર્યનો હલ્હાવો લેવા ગયા હતા.પણ એમને કલ્પના પણ નહોતી કે ત્યાં મૃત્યુ મોં ફાડીને ઊભું હતું. આ ઘટનાએ અનેક પરિવારોના માળા વીખી નાખ્યા. અનેક મહિલાઓ વિધવા બની ગઈ. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી. વૃદ્ધ માત
પિતાઓએ જેમનામાં પોતાના સ્વપનનું આરોપણ કર્યું હતું એવા સંતાનો ગુમાવ્યા. અનેક આશાભરી જિંદગીઓ પર અકાળે પૂર્ણ વિરામ લાગી ગયું. એ પરિવારોની હસતી, રમતી, ખુશનુમા જિંદગીઓ પર કાળનું ગ્રહણ લાગી ગયું. એ જિંદગીઓમાં અંધકાર છવાઈ ગયો. આ ઘટનામાં ભૌગ બનેલા દરેક હતભાગી પ્રવાસીની કહાની અત્યંત કરુણ અને હૃદયદ્રાવક છે. કેટલાક કિસ્સાઓ તો પાપાણને પણ પીગળાવી દે તેવા કરુણ અને આઘાતજનક છે.
પુત્રની સફળતાની ખુશીમાં કાશ્મીર ફરવા ગયા અને મોત આંબી ગયું…

કર્ણાટકના શીવોગામાના 45 વર્ષના વેપારી મંજુનાથના પુત્ર એ પરીક્ષામાં 98% માર્કસ મેળવતા તેની ખુશીમાં તેઓ એ પુત્ર અને પત્ની પલ્લવીને જમ્મુ કાશ્મીર લઈ ગયા હતા. આઠ દિવસની પેકેજ ટૂર સમાપ્ત કરીને શુક્રવારે તેઓ કાશ્મીરથી પરત આવવાના હતા. પરંતુ પહલ ગામની યાત્રા તેમના જીવનની અંતિમયાત્રા બની ગઈ. તેમના પત્ની પલ્લવીએ કહ્યું કે અમે પાણીપુરી નો લાવો લઈ રહ્યા હતા ત્યાં આતંકવાદીઓ ત્રાટક્યા. મેં મારા પતિને મારી નજર સામે દમ તોડતા જોયા. મેં આતંકવાદીઓને મને અને મારા પુત્રને પણ મારી નાખવાનું કહ્યું તો તેમણે કહ્યું કે આ બધું મોદીને કહો. પલવીએ કહ્યું કે કાશ્મીરની સહેલગાહે જવાનું મારા પતિનું સ્વપ્ન હતું પરંતુ અમે કદી કાશ્મીર ના આવ્યા હોત તો સારું હતું.
યુએસ સ્થિત યુવાન એન્જિનિયર માટે કાશ્મીરની યાત્રા અંતિમયાત્રા બની ગઇ

કોલકતાનો 40 વર્ષનો યુવાન બીતીન અધિકારી ફ્લોરિડામાં ટીસીએસ કંપનીમાં ફરજ બજાવતો હતો. પત્ની સોહીની અને ત્રણ વર્ષના પુત્ર તથા પરિવાર સાથે સમય વિતાવવા માટે તે ભારત આવ્યો હતો. અહીં આવ્યા બાદ કાશ્મીર જવાનો કાર્યક્રમ નક્કી થયો હતો. બિતીનના પિતાએ કહ્યું કે તે અમને બધાને પણ સાથે આવવાનો આગ્રહ કરતો હતો પણ અમે ન ગયા. મેં સવારે તો તેની સાથે ફોન ઉપર વાત કરી હતી અને બપોર પછી મને તેના મૃત્યુના સમાચાર મળ્યા. તેમણે કહ્યું, “મારો પુત્ર ખૂબ તેજસ્વી હતો. તેનું ભાવિ ખૂબ ઉજવળ હતું. તેના અનેક સ્વપ્ન હતા. પણ આતંકવાદે બધું ખતમ કરી નાખ્યું…”
મહેંદીનો રંગ તાજો હતો ત્યાં નેવી અધિકારીની યુવાન પત્નીના સેંથાનું સિંદૂર ભૂંસાઇ ગયું

હરિયાણાના કરનાલમાં રહેતા 26 વર્ષના નેવી ઓફિસર લેફટેનન્ટ વિનય નારવાલ હજુ છ દિવસ પહેલા જ 16મી એપ્રિલે હિમાંશી નામની યુવતી સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. 19 મી તારીખે રિસેપ્શન યોજાયું હતું. ટૂંકી રજાઓ.નો લાભ લેવા માટે તે પત્ની સાથે કાશ્મીર ફરવા ગયો હતા પણ એ મુલાકાત નવદંપતીને ખંડિત કરવામાં નિમિત બની. પતિનાં હાથની મહેંદી હજુ તાજી હતી ત્યાં નવોઢાના સેંથાનું સિદૂર ભૂંસાઈ ગયું.વિજય નારવાલના પિતા પણ બીએસએફ અને હરિયાણા પોલીસમાં ફરજ બજાવતા હતા. હરિયાણામાંથી પસાર થતાં લશ્કરી વાહનો * નિહાળીને વિનયે મોટા થઈને ભારતીય સેનામાં જોડાવાનું સ્વપનન નિહાળ્યું હતું. આ કરી મહેનત અને કઠોળ પરીક્ષાઓ પાસ કરીને બે વર્ષ પહેલા તે નેવીમાં પસંદગી પામ્યો હતો અને કોચી ખાતે ફરજ બજાવતો હતો.તેના મૃત્યુએ આખા હરિયાણાને શોકમગ્ન કરી દીધું હતું.
પત્ની અને પુત્રની નજર સામે જ આઇબી અધિકારીની હત્યા

મૂળ બિહારના મનીષ રંજન હૈદરાબાદ ખાતે ની ઈન્ટેલિજન્સ બ્યુરો ઓફિસમાં ફરજ બજાવતા હતા. તેલંગણા ના અન્ય પ્રવાસીઓ સાથે તેઓ પત્ની અને પુત્રને લઈ અને એલટીસી પર મીની સ્વિટ્ઝર્લૅન્ડની સહેલગાહે ગયા હતા. તેમના પત્નીના જણાવ્યા અનુસાર બધા સહેલાણીઓ ખૂબ આનંદ કરી રહ્યા હતા ત્યાં અચાનક જ આતંકવાદીઓ ત્રાટક્યા. કોઈ કાંઈ સમજે તે પહેલા ગોળીઓનો વરસાદ શરૂ થયો અને મોતનો સંદેશો લઈને આવેલી ગોળીએ મનીષ રંજનને વીંધી નાખ્યા. પત્ની અને પુત્રની નજર સામે જ મનીષ રંજને દમ તોડી નાખ્યો.
પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનાં મોત
કુલ ત્રણ ગુજરાતી પ્રવાસીઓ માર્યા ગયા

મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના પિતા – પુત્ર તેમજ મૂળ દામનગરના ધુફાણીયા ગામના વતની અને હાલમાં મુંબઈની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં ફરજ બજાવતા એક યુવાનનું મૃત્યુ થયું હતું. પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાંથી 20 લોકો કાશ્મીર ની મુલાકાતે ગયા હતા. મળતી જાણકારી મુજબ તેમાંથી યતિશ સુધીરભાઈ પરમાર (ઉં.વ.45), તેમના પત્ની કાજલબેન અને પુત્ર સ્મિત (ઉં.વ. 17 ) શ્રીનગર ખાતે યોજાયેલ મોરારીબાપુની કથાનું શ્રવણ કરી પહેલગામ ફરવા ગયા હતા અને તે દરમિયાન આ હુમલો થયો હતો. હુમલા બાદ યતિશભાઈ અને તેમનો પુત્ર સ્મિત લાપતા બની ગયા હતા. બાદમાં એ બંને માર્યા ગયા હોવાનું જાહેર થયું હતું. યતિશભાઈ હેર કટીંગ સલૂન ચલાવતા હતા અને તેમનો પુત્ર સ્મિત 11 મા ધોરણમાં અભ્યાસ કરતો હતો.તેમના મૃત્યુના સમાચાર મળતા ભાવનગર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

ભાવનગરના કલેકટર બંસલના જણાવ્યા અનુસાર મૃતદેહો તેમજ ભાવનગરના પ્રવાસીઓને વિમાન માર્ગે શ્રીનગર થી મુંબઈ અને ત્યાંથી ભાવનગર લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બનાવના ભાવનગરના વિનુભાઈ ડાભી નામની વ્યક્તિને હાથમાં ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ આતંકી હુમલામાં મૂળ દામનગરના ધુફાણીયાના વતની શૈલેષ હિંમતભાઈ કળથિયાનો પણ ભોગ લેવાયો હતો. શૈલેષભાઈ નો પરિવાર સુરતના વરાછા રોડ પર રહે છે. SBIમાં ફરજ બજાવતા શૈલેષભાઈ ની એક વર્ષ પહેલા મુંબઈ ખાતે બદલી થઈ હતી. તેઓ ચાર બહેનોના એકના એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. ચાર બહેનોના એક ને એક ભાઈ મૂળ દામનગર ના ધુફાણીયા ગામના વતની હતા. તેમનો પરિવાર સુરતના વરાછા રોડ પર રહે છે. છેલ્લા એક વર્ષથી તેઓ મુંબઈની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ફરજ બજાવતા હતા.