PMJAYમાં ગેરરીતિ : રાજકોટ સહિત રાજ્યની 800 હોસ્પિટલમાં તપાસ
- અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના બાદ રાજ્ય સરકારનો નિર્ણય
- કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક્સ, નિયોનેટોલોજી અને આંખની હોસ્પિટલોમાં ખાસ તપાસ
ગાંધીનગર
અમદાવાદની ખ્યાતી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરાવ્યા બાદ બે દર્દીઓના મોત નીપજયાની ઘટના સંદર્ભે હવે રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા સંભવિત છેતરપિંડી કરતી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ નોંધાયેલી લગભગ 800 હોસ્પિટલોની તપાસ શરૂ કરી છે. રાજકોટમાં પણ આરોગ્ય વિભાગની ટીમે ધામા નાખ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક્સ, નિયોનેટોલોજી અને આંખની સર્જરીમાં વિશેષતા ધરાવતી હોસ્પિટલોમાં ખાસ તપાસ કરવામાં આવશે. PMJAY જેવી યોજનાઓમાંથી કમાણી કરવા માટે કથિત રીતે દર્દીઓ પર બિનજરૂરી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવાની નીતિ ધ્યાનમાં આવી હતી.
હોસ્પિટલમાં તપાસ કરવા માટે જેને જવાબદારી સોંપવામાં આવી છે તે પૈકીના એક અધિકારીએ કહ્યું હતું કે,
ભૂતકાળના મેડિકલ કેમ્પ અને હોસ્પિટલના સંચાલકો અને ડોકટરો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનની તપાસ કરી રહ્યા છીએ. રાજ્યની અન્ય હોસ્પિટલો દ્વારા પણ PMJAY યોજનાનો દુરુપયોગ થયો હોવાની શક્યતા છે. તેથી, કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક, આંખની સંભાળ અને નિયોનેટલ કેર હોસ્પિટલો પર ધ્યાન કેન્દ્રિત કરીને, PMJAY યોજના હેઠળ 800 હોસ્પિટલોમાં ઇન્સ્પેકશન શરુ કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં તપાસ ટુકડીઓ મોકલવામાં આવી છે.
ભૂતકાળમાં, આયુષ્માન કાર્ડ ધારકોને એકસાથે અનેક હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સા સામે આવ્યા હતા.
આ ઉપરાંત નકલી આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરવા અંગે રાજકોટ અને જૂનાગઢમાં પોલીસ ફરિયાદો નોંધાઈ હતી. આયુષ્માન કાર્ડને લગતી અનિયમિતતાઓને બહાર લાવવા માટે સ્થપાયેલ એન્ટી ફ્રોડ યુનિટ આવા કેસોની તપાસ કરી રહ્યું છે.