યુએસના એરપોર્ટ પર પુરુષ અધિકારીએ યુવા ભારતીય મહિલાના કપડાં ઉતરાવ્યા
ઇન્ડિયા એક્શન પ્રોજેક્ટ અને ચાયપાનીના સ્થાપક શ્રુતિ ચતુર્વેદી સાથે અમેરિકાના એક એરપોર્ટ પર અત્યંત અભદ્ર અને અપમાનજનક વહેવાર કરવામાં આવ્યો હતો.તેમના પર્સમાંથી મળેલા એક સામાન્ય પાવર બેંક ને શંકાસ્પદ ગણી અને એરપોર્ટ ઉપર તેમની સાત કલાક સુધી અટકાયત કરવામાં આવી હતી અને પુરુષ અધિકારી સમક્ષ કપડા ઉતારવા તેમને મજબૂર કરાયા હતા.
બુધવારે સવારે **X પર શેર કરેલી એક પોસ્ટમાં ચતુર્વેદીએ જણાવ્યા મુજબ અલાસ્કાના એન્કરેજ એરપોર્ટ પર તેમની અટકાયત કરીને પોલીસ અને એફબીઆઈ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. હાડ થીજાવી દે તેવી ઠંડી વચ્ચે તેમના ગરમ કપડાં ઉતારી લેવામાં આવ્યા હતા. પુરુષ અધિકારીઓએ તેમની શારીરિક તપાસ કરી હતી. અત્યંત ઠંડા રૂમમાં તેમને બેસાડી રાખવામાં આવ્યા હતા. પોલીસે તેમને એક ફોન કરવાની કે સાત કલાક સુધી રેસ્ટ રૂમમાં જવાની મંજૂરી નહોતી આપી. આ અટકાયતને કારણે તેઓ તેમની ફ્લાઈટ પણ ચૂકી ગયા હતા. તપાસનીશ સધીકારીઓએ તેમના મોબાઈલ ફોન અને વોલેટ પણ લઈ લીધા હતા.
શ્રુતિ એ લખ્યું કે આ બધું માત્ર એક નિર્દોષ પાવર બેંક ને કારણે થયું. તેમણે કહ્યું કે દેખીતી રીતે જ આ બધું હેરાન કરવાનાં ઇરાદાથી જ થયું હતું. વિદેશ મંત્રાલયને ટેગ કરીને તેમણે લખ્યું કે આપણે બધા જાણીએ છીએ કે આ શા માટે થયું. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના શાસન બાદ ઈમીગ્રેશન નીતિઓ કડક બની ગઈ છે અને અનેક હવાઈ મુસાફરો સાથે આવી ઘટનાઓ બની છે. યુકે અને જર્મનીની સરકારોએ તો તેમના નાગરિકો માટે અમેરિકાની મુસાફરી દરમિયાન જરૂરી સાવચેતીની એડવાઈઝરી પણ બહાર પાડી છે.