પ્રજાના પ્રતિનિધિઓનું માન-સન્માન જાળવો, બેઠકમાં હાજર રહો : કલેકટર અને DDO સહિતના અધિકારીઓને મુખ્યમંત્રીએ આપ્યો નિર્દેશ
જિલ્લા સ્તરે પ્રભારી મંત્રીઓની બેઠક કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની બેઠક હોય ઘણા સ્થળે જવાબદાર અધિકારીઓ હાજર રહેતા નથી તેવી ફરિયાદો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યા બાદ હવે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું માન-સન્માન જાળવવા અને તમામ પ્રોટોકોલનું પાલન કરવા માટે કડક નિર્દેશ આપ્યો છે.થોડા સમય પહેલા પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સીનીયર અધિકારીઓને સંસદ સભ્ય અને ધારાસભ્યનું માન-સન્માન જળવાય તે રીતે પ્રોટોકોલનું પાલન કરવા સુચના આપી હતી પરંતુ આ વખતે વાત જિલ્લા સ્તર સુધી પહોંચી છે.

તાજેતરમાં મળેલી કેબીનેટની બેઠકમાં પણ આ મુદ્દો ઉપસ્થિત થયો હતો અને જિલ્લા સ્તરની બેઠકમાં અધિકરીઓ ગેરહાજર રહે છે તેવી ફરિયાદ આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે, ઘણા કલેકટર, ડીડીઓ અને તેને સમકક્ષ અધિકારીઓ પ્રોટોકોલનું પાલન કરતા નથી. મુખ્યમંત્રીએ સચિવોને આ અંગે જરૂરી સુચના આપી હતી અને જે અધિકારીઓ આ પ્રોટોકોલનો ભંગ એકરે તેની સામે કડક કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રેશનકાર્ડ ધારકોને ત્રણ માસનો જથ્થો એક સાથે વિતરણ કરવા વેપારીઓની માંગણી
દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી અને એ.સી.એસ.ટુ સી.એમ. મનોજ દાસે તાજેતરમાં એક બેઠકમાં કેન્દ્રીય યોજનાઓનાં અમલીકરણમાં અધિકારીઓને ‘ટીમ ઇન્ડિયા’ની જેમ કામ કરવા સૂચન કર્યું હતું. ખાસ કરીને કેન્દ્ર સરકારને લગતા પ્રોજેક્ટના અમલીકરણમાં થઈ રહેલા વિલંબ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.