મહાજૂઠપાલિકા : રાજકોટમાં મણકા ખસી જાય તેવા રસ્તા છતાં સરકારને કહ્યું, અમે કામ પૂરુ કર્યું !
અત્યાર સુધી અરજદારો તેમજ શહેરીજનોને જ ઉઠાં ભણાવવા માટે પંકાઈ ગયેલી મહાપાલિકા હવે સરકારને પણ ઉંધા ચશ્મા પહેરાવવામાં માહેર બની ગઈ હોય તેવું તાજેતરના એક કિસ્સા પરથી પ્રકાશિત થઈ રહ્યું છે. મંગળવારે મુખ્યમંત્રીએ દરેક શહેર-જિલ્લાના રોડ-રસ્તાની હાલત વિશે રિપોર્ટ માંગ્યો હતો જેમાં રાજકોટ મહાપાલિકાએ આંકડા સાથે એવું જૂઠ સરકાર સમક્ષ રજૂ કર્યું હતું કે શહેરમાં 2363.25 કિ.મી. રસ્તા પૈકી 49.50 કિલોમીટર વિસ્તારમાં ખાડા પડ્યા હતા જે તમામને બૂરી દેવામાં આવ્યા છે.

જો તંત્રનો આ દાવો સાચો હોય તો પછી હજુ પણ શહેરમાં ઠેકઠેકાણે કમરના મણકા ખસી જાય તેવા રસ્તા જોવા મળી રહ્યા છે ત્યારે જો મહાપાલિકાએ બધું જ કામ પૂર્ણ કર્યું હોય તો પછી આ ખાડા હજુ સુધી શું કરી રહ્યા હશે ? ઉપરોક્ત તસવીરમાં જોવા મળે છે તે રીતે નિર્મલા રોડ પર મસમોટું ગાબડું જોવા મળી રહ્યું છે જેને બૂરવામાં આવ્યું જ ન હોય અથવા તો બૂરાયા બાદ ઉપરથી મોરમ ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

આ જ પ્રમાણે હેમુ ગઢવી હોલ પાસે ભરાડ સ્કૂલ નજીક, રેલનગરમાં સાધુવાસવાણી કુંજ રોડ, વિદ્યાનગર મેઈન રોડ, વોર્ડ નં.8માં યોગીનિકેતન મેઈન રોડ, રેલનગર સહિતના વિસ્તારોમાં હજુ પણ ખાડા જોવા મળી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ કોર્પોરેટરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બને એટલા ઝડપથી ખાડા બૂરવા જરૂરી છે તો તેના જવાબમાં અધિકારીઓ દ્વારા એમ કહેવાય છે કે ખાડા બૂરવાનું કામ ચાલું જ છે ત્યારે જો કામ ચાલી રહ્યું હોવા છતાં સરકારને શા માટે એમ કહીને ઉઠાં ભણાવાયા કે તમામ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ?
આ પણ વાંચો : રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાંથી 150 લોકોનાં નામ મળ્યાં! પગારદાર કરદાતાઓને સમન્સ
