બંગાળની ખાડીમાં લો પ્રેશર થયું સક્રિય, સાતમ-આઠમ ઉપર મેઘરાજા ડોકિયુ કરશે
આજે અને કાલે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની હવામાન ખાતાની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં 5 દિવસ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના કહેવા મુજબ, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ રહેશે. 5 અને 6 સપ્ટેમ્બર કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે. મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં વરસાદ પડશે. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેથી રાજ્યમાં વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત બે દિવસ બાદ સામાન્ય વરસાદ રહેશે .
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 7 સપ્ટેમ્બરની આસપાસથી આ સિસ્ટમની અસર થાય તેવી શક્યતા છે અને 6-7 સપ્ટેમ્બરની આસપાસ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. ગુજરાતમાં વરસાદો સૌથી વધારે આધારે તેના પર છે કે આ સિસ્ટમ ગુજરાતની કેટલી નજીક આવે છે, જે સિસ્ટમ આગળ વધ્યા બાદ ખબર પડશે.
હાલની સ્થિતિ પ્રમાણે સૌપ્રથમ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ વડોદરા, ભરૂચના વિસ્તારોમાં સૌ પ્રથમ આ સિસ્ટમની અસર થવાની શક્યતા છે. જે બાદ સિસ્ટમ વધારે નજીક આવશે તો મધ્ય ગુજરાતના વિસ્તારો જેવા કે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાવાની અને હળવા વરસાદની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે પરંતુ વધારે વરસાદની શક્યતા હાલની સ્થિતિ પ્રમાણે દેખાતી નથી. જો સિસ્ટમ ગુજરાતની વધારે નજીક આવશે તો આ વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.