વાવમાં ખીલ્યું કમળ : છેલ્લી ઘડીએ ભાજપના સ્વરૂપ ઠાકોરે બાજી મારી,કોંગ્રેસના ગુલાબસિંહ 21 રાઉન્ડ સુધી આગળ રહયા બાદ 22માં રાઉન્ડમાં બાજી પલ્ટી
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં છેલ્લી ઘડીએ બાજી પલ્ટી જતા કોંગ્રેસનું ગુલાબ કચડી ભાજપનું કમળ પૂર્ણ સ્વરૂપે ખીલતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. કુલ 24 રાઉન્ડમાં હાથ ધરવામાં આવેલ મતગણતરીમાં 21 રાઉન્ડ સુધી સતત કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ રહયા બાદ છેલ્લા ત્રણ રાઉન્ડમાં જ વાવનું ચૂંટણીચિત્ર બદલી ગયું હતું અને પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2442 મતે જીત થઇ હતી.
ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવતા વાવ વિધાનસભા બેઠક ઉપરથી રાજીનામુ આપતા વાવ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના એકલવીર બેન ગેનીબેનનું વાવ બેઠક ઉપર પ્રભુત્વ જોતા પેટાચૂંટણીમાં ભાજપે એડીચોટીનુ જોર લગાવ્યું હતું. વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત, ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા તો ભાજપના જ નારાજ માવજી પટેલને ટિકિટ ન મળતા એક્સ મેદાને ઉતરતા વાવ વિધાનસભા બેઠકમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જો કે, વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસના સાંસદ ગેનીબેને પણ અનેક સભાઓ ગજાવી હતી તો પ્રતિષ્ઠાનો જંગ જીતવા ભાજપે પણ દિગ્ગજ નતાઓની ફૌજને ચૂંટણી પ્રચારમાં ઉતારી હતી.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં શનિવારે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાવમાં આવી હતી જેમાં પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 4197 મત અને ભાજપના સ્વરૂપ ઠાકોરને 3939 મત મલ્યા હતા ને પ્રથમ રાઉન્ડમાં જ ગુલાબસિંહે લીડ મેળવી 21 રાઉન્ડ સુધી લગલગાટ લીડ જાળવી રાખી હતી એક તબ્બકે તો ગુલાબસિંહ રાજપૂતને 14000 હજારથી વધુ મતની લીડ મળી હતી પરંતુ 16માં રાઉન્ડ બાદ તેમની લીડમાં ઘટાડો થવા લાગ્યો હતો અને 22માં રાઉન્ડ બાદ ભાજપના સ્વરૂપ ઠાકોર 1099 મતે આગળ નીકળી ગયા હતા અને છેલ્લે 24 રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપ ઠાકોર 2442 મતે વિજેતા બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો ઉપર 70.54 % ટકા મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારો પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મત આપ્યા હતા. પેટ ચૂંટણીમાં શનિવારે મતગણતરી બાદ ભારે ઉતાર ચડાવના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોરને 92129 મત અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 89693 મત મળ્યા હતા જેથી સ્વરૂપ ઠાકોર વાવ વિધાનસભા બેઠક પર વિજેતા થતા ભાજપનો ભગવો લહેરાયો હતો.
વાવ બેઠક ઉપર અઢારેય વર્ણની જીત થઇ છે : સ્વરૂપ ઠાકોર
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભારે ઉતાર ચડાવના અંતે શનિવારે મતગણતરી બાદ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવી ભાજપના સ્વરૂપ ઠાકોર વિજેતા બનતા તેઓએ પોતાની જીતને અઢારેય વર્ણની જીત ગણાવી હતી, સાથે જ તેઓએ આ જીત બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત તમામનો આભાર માન્યો હતો.
ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલ 27183 મત લઇ ગયા
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત અન્ય આઠ ઉમેદવારો મેદાને હતા જેમાં ભાજપના બળવાખોર નેતા માવજીભાઈ પટેલે પણ અપક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હોય શનિવારે થયેલ મતગણતરીમાં તેઓને 27183 મત મળ્યા હતા. આ ઉપરાંત નોટામાં 3358 મત પડયા હતા.