અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે નીકળી શકે : પ્લેનક્રેશ દુર્ઘટનાને પગલે લેવાશે નિર્ણય
અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના જેના પડઘા ન માત્ર ગુજરાત કે ભારતમાં પડ્યા છે સમગ્ર વિશ્વ આ ઘટનાથી ચિંતાતુર થયું હતું. હજુ અનેક લોકોના DNA સેમ્પલ મેચ થવાના બાકી છે. આ દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા. ઘટનાને પગલે રાજ્યમાં એકદિવસનો રાજકીય શોક પણ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે હવે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વર્ષ 1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી લઈને આજ દિવસ સુધી ધામધૂમથી અમદાવાદના માર્ગો પરથી રથયાત્રા નીકળે છે ત્યારે આ વર્ષે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવે તે શક્યતાઓ છે. જગન્નાથ મંદિરના મહંત સરકાર સાથે બેઠક કરશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
ભગવાન તથા પ્રસાદની ટ્રક સાથે જ રથયાત્રા યોજવાની શક્યતા
આગામી 27 જૂને ભગવાન જગન્નાથની આગામી 148મી વાર્ષિક રથયાત્રા નીકળવાની છે. રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં બનેલી દુ:ખદ પ્લેનક્રેશ દુર્ઘટનાને લઈને 148મી રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવી શકે છે. માત્ર ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના રથ તથા પ્રસાદની ટ્રક સાથે નીકળે એવી શક્યતા છે. રાજ્ય સરકાર અને જમાલપુર જગન્નાથ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીની સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.
