ગુજરાતના ૨૬ મુરતિયાની યાદી દિલ્હી દરબારમાં
મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને ૨૪ કલાકમાં જ બીજી વાર દિલ્હી બોલાવાયા: વડાપ્રધાન અને રાષ્ટ્રીય પ્રમુખની
હાજરીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી: ટૂંકસમયમાં ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના
લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે અને માર્ચના બીજા અઠવાડિયામાં ગમે ત્યારે ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરી શકે છે. આવા સંજોગોમાં રાજકીય પક્ષોમાં પણ દોડધામ ચાલી રહી છે. કોંગ્રેસમાં હજુ સેન્સ પ્રક્રિયા થઇ નથી પરંતુ ભાજપે આ પ્રક્રિયા પૂરી કરી લીધી છે. ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. ગુરુવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી મળી હતી અને આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
સુત્રોનું માનીએ તો ભાજપે આજે ૧૦૦થી ૧૨૫ ઉમેદવારોની પ્રથમ યાદી નક્કી કરી લીધી છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ગુજરાતના તમામ ૨૬ મુરતિયાની યાદી પણ દિલ્હી દરબારમાં પહોચી ગઈ છે અને તેના ઉપર મંથન ચાલી રહ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ૨૪ કલાકમાં બીજી વખત દિલ્હીનું તેડું આવ્યું હતું અને તેઓ તાબડતોબ પહોચી ગયા હતા અને બેઠકમાં ભાગ લીધો હતો. આ બંનેને બુધવારે પણ દિલ્હી બોલાવાયા હતા.
ગુજરાતમાં સેન્સ પ્રક્રિયા પૂરી થઇ ગઈ છે અને જે પેનલ બની છે તેના નામ લઈને આ બંને આગેવાનો બેઠકમાં પહોચ્યા હતા. સુત્રો અનુસાર, ભુપેન્દ્રભાઈ પટેલ અને સી.આર.પાટીલે જે નામમાં વિવાદ નથી તેવા નામોમાં પોતાનો અભિપ્રાય પણ આપી દીધો છે. સાથોસાથ નો રીપીટ થીયરી કેટલે અંશે લાગુ થવાની છે તે અંગે પણ ચર્ચા કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે રાષ્ટ્રીય સ્તરે જે યાદી તૈયાર થઇ છે અને જે જાહેર થવાની છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું નામ હોઈ શકે છે. આ સિવાય કેટલાક એવા મંત્રીઓના નામ પણ હોઈ શકે છે જે હાલમાં રાજ્યસભાના સાંસદ છે. આ યાદીમાં ત્રણ પ્રકારના ઉમેદવારોની જાહેરાત કરી શકાય છે. એક અતિ મહત્વની બેઠક છે, બીજી રાજ્યસભાના સભ્ય છે અને તેઓને લોકસભાની ચૂંટણી લડાવાઈ શકે છે. ત્રીજું, જે બેઠકો અત્યાર સુધી નબળી રહી છે.