ગરમી શરૂ થતા જ લીંબુએ ખટાશ પકડી : મણે રૂ.500નો ઉછાળો, ડુંગળીએ બટાટાની સાઈડ કાપી ; જાણો બજારભાવ
ઉનાળાની શરૂઆત પહેલા જ ગરમી તોબા પોકારાવી રહી છે ત્યારે ગરમીનો પારો વધતાની સાથે જ લીંબુએ ચાર દિવસમાં જ ખટાશ પકડી લીધી છે, રાજકોટ યાર્ડમાં તા.19મી ફેબ્રુઆરીએ 1000 રૂપિયામાં એક મણ વેચાતા લીંબુના ભાવ તા.24મીએ વધીને 1500 રૂપિયા થઇ જતા છૂટક બજારમાં લીંબુના ભાવ સીધા જ 200 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. બીજી તરફ છેલ્લા અઠવાડિયામાં બટાટાના ભાવ તળિયે બેસી જતા ડુંગળીએ બટાટાની સાઈડ કાપી લીધી છે. જો કે, સારામાં સારા બટાટા હોલસેલમાં 250 રૂપિયે મણ મળતા હોવા છતાં છૂટક બજારમાં 25થી 30 રૂપિયે કિલોગ્રામ વેચાઈ રહ્યા છે.
ઓણસાલ સારા વરસાદ બાદ શિયાળો પણ જામ્યો હોય હાલમાં ઠંડી ઓછી થતા જ શકમાર્કેટમાં વિવિધ શાકભાજીના ઢગલા જોવા મળી રહ્યા છે. બીજીતરફ ઓણસાલ ગૃહિણીઓને બટાટા અને ડુંગળીના ભાવમાં રાહત મળી નથી પરંતુ હાલમાં બટાટાની બજાર ઢીલી પડતા હવે બટાટાની પતરીની મોસમમાં સસ્તા બટાટા મળવાના એંધાણ મળી રહ્યા છે. રાજકોટ યાર્ડમાં સોમવારે 6200 કવીન્ટલ બટાટાની આવક નોંધાઈ હતી અને પ્રતિમણ બટાટાના રૂ.160થી 250 બોલાયા હતા.જો કે, આમ છતાં છૂટક માર્કેટમાં બટાટા 30થી 40 રૂપિયે કિલો મળી રહ્યા છે. બીજી તરફ સોમવારે યાર્ડમાં 3500 કવીન્ટલ ડુંગળીની આવક નોંધાઈ હતી અને રૂ.160થી લઈ 450 રૂપિયા પ્રતિમણ લેખે ડુંગળીના સોદા થયા હોય ડુંગળીએ બટાટાની સાઈડ કાપી લીધી હતી.
જો કે, રાજકોટ યાર્ડમાં હાલમાં દરરોજ 325થી 350 કવીન્ટલ એટલે કે, 1750 મણ લીંબુ ઠાલવાઈ રહ્યા છે. ગરમી વધતા જ લીંબુની ડિમાન્ડ વધતા ભાવ ઉપર સીધી જ અસર જોવા મળી રહી છે. ગત તા.19ના રોજ પ્રતિમણ લીંબુના ઉંચામાં 1000 રૂપિયા ભાવ બોલાયા હતા. જે ભાવમા તા.20મીએ 100 રૂપિયા, 21મીએ 100 રૂપિયા તા.22મીએ 50 રૂપિયાના વધારા બાદ તા.24મીએ સીધો જ 250 રૂપિયા ભાવ ઉછાળો જોવા મળ્યો હતો અને તા.24મીના રોજ 350 કવીન્ટલ લીંબુના પ્રતિમણના ઉંચામાં 1500 રૂપિયા અને નીચામાં 600 રૂપિયા મણના ભાવે સોદા થયા હતા. બીજી તરફ છૂટક શાકમાર્કેટમાં લીંબું 120થી 150 રૂપિયા કિલોગ્રામના ભાવે મળી રહ્યા છે.