રાજકોટ મનપાની આળસે વધુ એક ફૂવારાનો લીધો ભોગ !! ભક્તિનગર સર્કલ બાદ હવે સોરઠિયા વાડી સર્કલનો ફૂવારો પણ બંધ
રાજકોટની શોભા વધારવા તેમજ લોકો બેસીને ઠંડક મેળવી શકે તે માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ સર્કલ ઉપર ફૂવારા મુકવામાં આવ્યા હતા. જો કે તંત્રના કામઢા' અધિકારીઓની
આળસ’ને કારણે એક બાદ એક ફૂવારા બંધ થઈ રહ્યા છે. ભક્તિનગર સર્કલનો ફૂવારો વર્ષોથી બંધ પડ્યા બાદ હવે દિવાળી પર જ સોરઠિયા વાડીનો ફૂવારો પણ બંધ થઈ જતાં લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું કે રેસકોર્સમાં તો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યા બાદ મ્યુઝિકલ ફૂવારો શરૂ થઈ શક્યો નથી. અધિકારીઓ-પદાધિકારીઓ બાગ-બગીચા અને ફૂવારાનો અભ્યાસ કરવા માટે પ્રજાના ખર્ચે દેશ-વિદેશની મુસાફરી કરી આવ્યા છે પરંતુ અત્યારે ફૂવારાની હાલત હાડપિંજર જેવી થઈ ગઈ છે.
વોર્ડ નં.૧૪માં મેયરના લોક દરબારમાં ભક્તિનગર સર્કલનો ફૂવારો શરૂ કરવા બાબતે વોર્ડના કોંગ્રેસી આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી એ ફૂવારો ચાલું થયો નથી. વળી, જે સોરઠિયાવાડી સર્કલ પર જે ફૂવારો હતો તે પણ બંધ થઈ ગયો છે. સાફ-સફાઈના અભાવે ફૂવારાની અંદર શેવાળ અને લીલ જામી ગયા છે. આ અંગે સામાજિક-રાજકીય અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાએ સોરઠિયાવાડી ખાતે રૂબરૂ તેમજ મહાપાલિકાના કોલ સેન્ટરમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદનું શું થયું તે જાણવા પ્રયાસ કરતા એવો જવાબ અપાયો હતો કે રૂબરૂ મહાપાલિકા કચેરી ખાતે જઈને લેખિતમાં ફરિયાદ કરો !