ફળઝાળ હેતુ માટે જમીન મેળવી પણ ઝાડવા ન વાવ્યા! કણકોટમાં 3 સંસ્થાઓ સામે કાર્યવાહી, જમીન ખાલસા કરવા હુકમ
રાજકોટ તાલુકાના કણકોટ ગામની સીમમાં 29 વર્ષ પૂર્વે પર્યાવરણ અને આયુર્વેદ માટે કામ કરતી અલગ -અલગ ત્રણ સેવાભાવી સંસ્થાઓએ કરોડોની કિંમતી જમીન ફળઝાડના હેતુ માટે ભાડા પટ્ટે મેળવ્યા બાદ આ જમીન ઉપર સરકારના નિયમ મુજબ વૃક્ષોનું વાવેતર નહીં કરવાની સાથે ભાડા પટ્ટો પૂર્ણ થવા છતાં જમીનનો ભાડાપટ્ટો રીન્યુ નહીં કરતા રાજકોટ સીટી પ્રાંત -2 મહક જૈન દ્વારા આકરો નિર્ણય લઈ તમામ ત્રણ સંસ્થાને ફાળવવામાં આવેલ અંદાજે રૂ.10 કરોડની કિંમતની અલગ અલગ ચાર જમીન મળી કુલ 12.20 એકર જમીન ખાલસા કરવા હુકમ કરી તાત્કાલિક અસરથી આ જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાનાં કણકોટ ગામે વર્ષ 1994માં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સોસાયટી ફોર નેચર એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન સ્ટડી સંસ્થાને સ.નં. 342 પૈકી 1 ની હે.1-1-16 ચો.મી. જમીન, મહર્ષિ આયુર્વેદ સંસ્થાને સ.નં. 342 પૈકી 22 ની હે. 2-02-34 ચો.મી. જમીન, નરસિંહ મહેતા પર્યાવરણ ફાઉન્ડેશનને સ.નં. 342 પૈકી 19 ની હે. 1-01-17 ચો.મી. તેમજ સ.નં. 342 પૈકી 20 ની હે. 1-01-17 ચો.મી. જમીન ફળઝાડના હેતુ માટે નવી અને અવિભાજ્ય અને નિયંત્રીત શરતોને આધીન ભાડાપટ્ટે ફાળવવામાં આવેલ હતી.
આ પણ વાંચો :‘વિકાસ’ પર નજર રાખવા 7.67 કરોડ ખર્ચવા જ પડે તેમ છે : રાજકોટ મ્યુ.કમિશનર ફરી કરશે દરખાસ્ત
જો કે, ફળઝાડના હેતુ માટે ફાળવવામાં આવેલ આ કરોડોની કિંમતી ત્રણેય સંસ્થાઓની જમીનનો ભાડા પટ્ટો પૂર્ણ થઇ ગયાં બાદ પણ સેવાભાવી પર્યાવરણ અને આયુર્વેદ માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા ભાડાપટ્ટો રીન્યુ કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત ફળઝાડના હેતુ માટે આપેલ જમીનમાં હુકમની શરતો મુજબ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ ન હોવાનું ધ્યાને આવતાં શરતભંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, પક્ષકારોને રજૂઆત માટે પુરતી તક આપવામાં આપ્યા બાદ પણ કેટલાક પક્ષકારો મુદતે હાજર પણ રહ્યા ન હોવાથી મૂળ હુકમની શરતોનો ભંગ થતો હોવાનું સ્પષ્ટ થતાં આસીસ્ટન્ટ કલેકટર મહક જૈન દ્વારા આ તમામ જમીન ખાલસા કરવા હુકમ કરી તાત્કાલિક અસરથી આ જમીન સરકાર હસ્તક લેવા અંગેનો હુકમ કરવામાં આવ્યો હતો. આ જમીનની અંદાજિત બજારકિંમત રૂ. 10 કરોડથી વધુ થતી હોવાનું જાણવા મળે છે.
