ભાજપથી જ ઉજળા બનેલા કુંડારિયાને પક્ષના જ ભગવા ખેસની એલર્જી ? મોહનભાઈએ ગળે કે ખભે ખેસ ન નાખતા ભારે ચર્ચા
મોરબી જિલ્લાના નવનિર્મિત ભાજપ કમલમ્ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. ભાજપથી જ ઉજળા થયેલા અને જે પક્ષે સાંસદ બનાવ્યા કેન્દ્રીય મંત્રી પદ સુધીના રાજકીય કદ આપ્યું એ પક્ષના જ ચિન્હરૂપ ભગવા ખેસ ધારણ કરવામાં જાણે મોહનભાઈ કુંડારિયાને એલર્જી હશે કે કોઈ કારણોસર ? સ્ટેજ કાર્યક્રમમાં કુંડારિયાએ જ પક્ષનો ભગવો ખેસ ધારણ કર્યો ન હતો જે ભારે ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
કાર્યક્રમમાં પ્રદેશ કક્ષાના કે અન્ય નેતાઓ સહિતના ઉચ્ચ પદાધિકારીઓએ પણ પક્ષ અને પક્ષનું ચિન્હ જ સર્વોપરી શીરોમાન્ય સાથે મંચસ્થ મહાનુભાવોએ ગળે પક્ષના ભગવા કલરના ખેચ (મફલર) ધારણ કર્યા હતા. સ્ટેજ પર એક માત્ર પૂર્વ સાંસદ મોહન કુંડારિયા અલગ-ઢલક દેખાતા હતા. તેમણે પક્ષનો ખેસ ધારણ કર્યો ન હતો જેને લઈને એવી વાતો કે ચર્ચાઓ ચાલી હતી કે જેનાથી તમારી ઓળખ છે, જેનાથી તમે ઉજળા છો અને તમારા બધા કામો ચાલે છે માન-સન્માન, કીર્તિ મળે છે એનાથી જ એટલે કે (ભાજપના ભગવા કલરના ખેસ ચિન્હથી જ) દૂર રહો એ કેમ ચાલે ?
મોં એટલી વાતો મુજબ કેટલાક તો એવી ટિપ્પણી ટીકા કરતા હતા કે જો પક્ષનો ખેસ ખભેથી ઉતરી જાયને તો ખ્યાલ પડે કે તમારું કદ કેટલું અને કેવું છે ? મોટા કદથી કાંઈ મોટું નથી થવાતું પક્ષનું જ પદ સર્વોપરી હોય છે એ ન ભૂલવું જોઈએ. જો મોહનભાઈ ઉતાવળે ખેસ ધારણ કરતા ચૂક્યા હોય કે સાથે ખેસ ન હોય એ ભૂલી ગયા હોય તો અલગ વાત છે પરંતુ હું મોટો ને ખેસ નાનો, હવે મારે ખેસ (પક્ષના ચિન્હ)ની શું જરૂર છે ? મને તો બધા ઓળખે, ધાર્યું થાય એવું જો મગજમાં ઠસાયું હોય તો એ ચોક્કસપણે ભૂલ ભરેલું જ કહેવાય. શું જેનાથી એનર્જી મળે (બધી રીતે પદ, પ્રતિષ્ઠા સન્માન) એનાથી જ એલર્જી થવા લાગી કે શું ?
મોહનભાઈએ પક્ષનો જ કાર્યક્રમ અને એ પણ કેન્દ્રીય તથા પ્રદેશ નેતાઓની હાજરીમાં યોજાયો તેમાં જ ક્યા કારણોસર પક્ષનો ખેસ ધારણ નહોતો કર્યો એ તો એમને જ ખ્યાલ હશે. એવું નથી કદાચ ભૂલી ગયા પણ હોય પરંતુ કેન્દ્રના પૂર્વ મંત્રી રહી ચૂકેલા જ જવાબદાર આગેવાન જ (બેજવાબદાર બને)પક્ષના ખેસ કે ચિન્હ ધારણ ન કરે તો જોનારા કે અન્ય નાના આગેવાનો, કાર્યકરોને એવું થાય કે આપણા આગેવાન જ પક્ષના ખેસ નથી રાખતા તો આપણે પણ કદાચ નહીં રાખીએ તો ચાલશે ને ? અથવા કોઈ ખેસનું કહેશે તો સંભળાવી દેશું કે પક્ષના અને સરકારના ઉચ્ચ પદો, હાદાઓ પામી ચૂકેલા મોહનભાઈએ પણ ક્યા ખેસ રાખ્યો છે ? મોહનભાઈ આમેય સ્ટેજમાં આખરી સ્થાને (ખૂણે) બેઠા હતા જેને લઈને પણ ભલે કદ મોટું પણ પદની જ કિંમત છે હો એ સમજવું પડે. ઉપરોક્ત આવું બધું રાજકીય ગલિયારાઓમાં કે જાણકારોમાં રમુજ કે ચર્ચા, વાતોમાં વહેતું હતું બાકી આખરે તો કદાચ એવું જ માનવું પડે કે મોહનભાઈ ખેસ ભૂલી ગયા હશે કે કાંઈક આવું હોઈ શકે એટલે જ પક્ષનો ભગવો ખેસ નહીં નાખ્યો હોય, નહીં તો આવી ભૂલ કરે નહીં.
