કડવા અને લેઉવા પાટીદારો વેપારી થઈ ગયા છે
મહેસાણામાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહારો કર્યા
શૈક્ષણિક સંસ્થાના હોદેદારો પાસે ખુબ જ રૂપિયા થઇ ગયા છે અને સેવાને બદલે રૂપિયાનું જ મહત્વ વધ્યું છે.
એક તરફ ચૂંટણી આવી રહી છે અને ગુજરાતની ટીકીટની વહેચણીમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લેઉવા-કડવા ઉમેદવારોની ચર્ચા થતી હોય છે ત્યારે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદારો ઉપર શાબ્દિક પ્રહાર કર્યા છે અને કડવા-લેઉવા પાટીદારોને વેપારી ગણાવ્યા છે.
તેઓએ સુખી સંપન્ન પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને તેમણે પાટીદાર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓને વેપારી સંસ્થા ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આવી સંસ્થાના સંચાલકો કરોડપતિ થઇ ગયા છે. તેમની કારોબારીમાં એક પણ વ્યક્તિ એવી નથી જે એસ.ટી.બસમાં મુસાફરી કરતી હોય. આવા લોકોમાં સેવાને બદલે રૂપિયાનું મહત્વ વધી ગયું છે.
વિપુલ ચૌધરીએ એમ પણ કહ્યું કે, કોઈ વ્યક્તિ પશુપાલનનો વ્યવસાય કરતો હોય કે કોઈને વેવાઈ શોધવામાં મુશ્કેલી પડતી હોય તેવો કોઈ વ્યક્તિ શૈક્ષણિક સંસ્થાની કે અન્ય કોઈ સંસ્થાની કારોબારીમાં નથી.
વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, અર્બુદા સેના હવે અર્બુદા સેવા સમિતિ તરીકે કામ કરશે. આંજણા ચૌધરી સમાજની સભ્ય નોંધણી કરશે, અને સવા લાખ સભ્યો બનાવીશું. જે પાટનગર ગાંધીનગરમાં સામાજિક અને શૈક્ષણિક ધોરણે નિર્માણ કરશે. સમાજના છેવાડાના વર્ગે સુધી તેનો લાભ પહોંચે તેવો પ્રયત્ન કરીશું.
મહેસાણામાં અર્બુદા સેનાની સંગઠન બેઠકમાં વિપુલ ચૌધરીએ પોતાના જ સમાજના વ્યક્તિ સામે પણ પ્રહાર કર્યા. તેમણે ડિવાઈન સ્કૂલના માલિક સામે પણ સવાલ ઉઠાવ્યા. ડિવાઈન સ્કૂલ શંકુઝ વોટરપાર્કના માલિક શંકર ચૌધરીની છે. તેમણે અર્બુદા સેવા સમિતિ લોકસભામાં ભાજપને સપોર્ટ કરશે તેવી જાહેરાત પણ કરી હતી.