RMCમાં જુનિયર ક્લાર્કનું પેપર સરળ : 128 જુનિયર ક્લાર્કની જગ્યા ભરવા 3 શહેરોમાં લેવાઈ પરીક્ષા
રાજકોટ મહાપાલિકામાં જુનિયર ક્લાર્કની ખાલી પડેલી 128 જગ્યા ભરવા માટે તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી પ્રયાસો ચાલી રહ્યા હતા. આખરે પરીક્ષાનું મુહૂર્ત આવી જતાં રવિવારે રાજકોટ, અમદાવાદ અને વડોદરાના કેન્દ્રો ઉપર હજારો ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી.
આ પરીક્ષામાં કયા વિદેશી બેન્ડે મ્યુઝિક કોન્સર્ટ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બુક કરાવ્યું હતું, ભારતના કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી કોણ, મખાના બોર્ડની સ્થાપના કરનાર રાજ્ય કયું તે સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય એકંદરે પેપર સરળ રહ્યાનો દાવો પરીક્ષા આપનાર ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા રાજકોટના 111, અમદાવાદના 87 અને વડોદરાના 27 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. કુલ 60525 ઉમેદવારો પૈકી 27927 ઉમેદવાર ગેરહાજર રહ્યાં હતાં.
આ માટે રાજકોટમાંથી 31,000 અને અમદાવાદના 28,000 ઉપરાંત અન્ય શહેરો-જિલ્લાઓના મળી કુલ 60525 અરજીઓ આવી હતી. બીજી બાજુ પરીક્ષામાં કોઈ જ પ્રકારની ગેરરીતિ ન સર્જાય તે માટે મહાપાલિકાના 500થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત ચાલું પરીક્ષાએ ઉમેદવારોને વૉશરૂમ જવાની પણ મનાઈ ફરમાવી દેવાયા ઉપરાંત સઘન ચેકિંગ સહિતની જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
લેખિત પરીક્ષા લેવાઈ ગયા બાદ હવે ટૂંક સમયમાં જ મેરિટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે મેરિટ નક્કી થયા બાદ ખાલી પડેલી જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવતાં હોય છે અને તેમાંથી 128 લોકોને પસંદ કરી તેમને જુનિયર ક્લાર્ક તરીકેની નોકરી આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.