જુનાગઢ ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી : મહાકુંભ દરમિયાન ફેફસામાં ઇન્ફેક્શન થતા 7 દિવસથી ICUમાં દાખલ
જૂનાગઢ ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ બીમાર પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. કોડીનારના ઘાટવડ અને જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારથીબાપુ ની તબિયત લથડી છે. પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન ફેફસામાં ઇન્ફેક્શન થતા સાત દિવસથી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરના સંતો-મહંતો પહોંચી રહ્યા છે ત્યારે ભારતી આશ્રમના ઈન્દ્રભારતી બાપુ પણ ત્યાં પહોંચ્યા હતા તે દરમિયાન સતત ધૂળ ફેફસામાં જવાથી ઇન્ફેક્શન થયાનું ડોક્ટરોનું પ્રાથમિક તારણ છે. હજુ આવનારા પંદર દિવસ માટે કોઈપણ સેવકોએ કે અન્ય કોઈ પણ વ્યક્તિએ બાપુને નહીં મળવાની ડોક્ટરોની કડક સૂચના છે.

ઇન્દ્રભારતી બાપુએ ઓડિયો મેસેજ દ્વારા તબિયત અંગે જાણ કરી છે. પ્રયાગરાજ મહાકુંભમાં તબિયત બગડતા સાત દિવસ ICU માં દાખલ થયા હતા. હવે તબિયતમાં સુધાર થયો હોવાનું ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું છે. હાલ પંદર દિવસ સુધી આરામ કરવાની ડૉક્ટરે સલાહ આપી છે. ભીડભાડથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.
નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે ભારતીબાપુ
જૂનાગઢના ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ છે. જેઓ સનાતન માટે શાબ્દિક લડવૈયા કહેવાય છે. જેમના નિવેદનોના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. જેઓ થોડા દિવસ અગાઉ મહાકુંભમાં ગયા હતા ત્યારબાદ બીમાર પડ્યા હતા.