રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં જાપાન પેવેલિયન બનાવવામાં આવશે: નાગલપર ખાતે બનશે મેડિકલ ડિવાઇસ પાર્ક
રાજકોટમાં આગામી તારીખ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ યોજાવાની છે જેમાં જાપાન અને કેનેડા સહિતના દેશમાંથી ડેલીગેશન હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનાર આ સમિટમાં 50,000થી વધુ ઉદ્યોગકારો ભાગ લેવાના છે જેમાં ખાસ જાપાન પેવેલિયન બનાવવામાં આવશે.
મારવાડી યુનિવર્સિટીની બાજુની વિશાળ જગ્યામાં છ પેવેલિયન બનવાના છે જેમાં રિલાયન્સ, અદાણી,એસ્સાર સહિત દેશની ટોચની કંપનીઓના સાથે જીએસએફસી અને જીએનએફસીના પણ પેવેલીયન તૈયાર થશે. વાઇબ્રન્ટ રીજીનલ સમીટમાં ખાસ આકર્ષણ જાપાન પેવેલિયનનું રહેશે. જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા બુથ ઙ-2 ,હોલ 1 ખાતે તારીખ 10 થી 13 સુધી આ એક્ઝિબિશન યોજાશે.
જેમાં ધી જાપાન સ્ટીલ વર્ક લિમિટેડ, સુઝુકી આર એન્ડ ડી સેન્ટર ઇન્ડિયા,કિટો ઇન્ડિયા,એર વોટર,લોઝી આઈ એન સી, નિપોન ફુસો ઇન્ડિયા, સિઝુકા પ્રેકચ્યુલર સહિત કંપનીઓએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રાજકોટ ખાતે આયોજિત થઈ છે જેમાં ક્ષેત્રીય પ્રદર્શન નવીનીકરણ પ્લેટફોર્મ અને બિઝનેસ નેટવિંર્કગ તકનો સમાવેશ થશે
નાગલપર ખાતે મેડિકલ ડિવાઇસ પાર્ક બનશે
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે એક નવો, ક્ષેત્ર-વિશિષ્ટ મેડિકલ ડિવાઇસ પાર્ક સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ તબીબી ઉપકરણ ઉદ્યોગ માટે એક સંકલિત અને વ્યાપક ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે, જે સંશોધન, ઉત્પાદન, ગુણવત્તા પરીક્ષણ તેમજ વૈશ્વિક નિકાસને મજબૂત આધાર પૂરો પાડશે,નાગલપર ખાતે મેડિકલ ડિવાઇસ પાર્કનું સ્થાપન થશે. GIDC દ્વારા પ્રસ્તાવિત નાગલપર મેડિકલ ડિવાઇસ પાર્ક લગભગ 336 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ પાર્કને “એન્ડ-ટુ-એન્ડ” ઇકોસિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં પ્રારંભિક સંશોધનથી લઈને ઉત્પાદન, પરીક્ષણ અને અંતે આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ સુધીની સમગ્ર પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ બની રહેશે.
