રાજકોટના ડૉ.દસ્તુર માર્ગ સામે નાલું તૈયાર થતાં હજુ 1.5 મહિનો લાગશે, ભોંયરા જેવા નાલામાંથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર જ પસાર થશે
રાજકોટ મહાપાલિકા દ્વારા કોઈ કામ હાથ ઉપર લેવામાં આવ્યું હોય અને એ સમયસર પૂર્ણ થઈ જાય એવું ક્યારેય બન્યું નથી અને ભવિષ્યમાં કદાચ બનશે પણ નહીં ! વળી, મહાપાલિકા અને રેલવે તંત્ર જ્યારે મળીને કોઈ કામ કરવાના હોય તે તો નિર્ધારિત સમયમાં પૂરું થશે તેવું માનવાને કોઈ સ્થાન રહેતું નથી. આવું જ કંઈક ડૉ.દસ્તુર માર્ગ સામે રેલવે ટ્રેક નીચેથી તૈયાર કરવામાં આવી રહેલા બોક્સ કલ્વર્ટ (નાલું)માં થવા પામ્યું છે. 2023થી ચાલી રહેલું આ કામ જાણે કે કચોઘડિયે શરૂ કરાયું હોય તેવી રીતે 2025ના ચાર મહિના વીતી જવા છતાં પૂર્ણ થયું નથી અને હજુ આ કામ પૂર્ણ થવામાં દોઢ મહિનો લાગી જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ કામ રેલવે-મહાપાલિકા દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાયું હતું. મહાપાલિકા દ્વારા બોક્સ કલ્વર્ટ બનાવવાનો ઈરાદો જાહેર કર્યા બાદ જમીન સંપાદન સહિતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગળનું કામ રેલવેએ શરૂ કર્યું હતું. આ પછી ડિપોઝિટ જમા કરાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતાં મહાપાલિકાએ તે પણ જમા કરાવી દીધી હતી. એકંદરે આ કામનો ખર્ચ 4.13 કરોડે પહોંચી જવા પામ્યો છે આમ છતાં હજુ સુધી એપ્રોચ રોડનું કામ શરૂ કરાયું ન હોય તેને પૂર્ણ થતાં દોઢ મહિનો લાગી જશે. આ અંગે મહાપાલિકાના સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું કે મહાપાલિકાએ ડિપોઝિટ જમા કરાવવાની હતી તે કરી દેવાઈ છે તેથી આગળનું કામ પૂર્ણ કરવાની જવાબદારી રેલવેની રહેશે. વળી, આ ભોંયરા જેવા નાલામાંથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર જ પસાર થઈ શકશે તેવું પણ જાણવા મળ્યું છે.