ઉંચી પોસ્ટના નીચા કામ કલેક્ટરને ફસાવવા મહિલા એડિશનલ કલેક્ટરે જ કાવતરું ઘડ્યું હતું
સસ્પેન્ડ થયેલા આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવા મામલે એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી.પટેલ સહિત ત્રણની અટકાયત કરતું એટીએસઃ ત્રણેયે મળીને જ બે યુવતીઓને ડી.એસ.ગઢવી પાસે મોકલ્યાની કબૂલાત
આખા ગુજરાતને હચમચાવી નાખનાર આણંદ જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવીની યુવતી સાથેની વીડિયો ક્લિપ વાયરલ થવાના મામલામાં દરરોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. વીડિયો ક્લિપ સામે આવ્યા બાદ સરકાર દ્વારા કલેક્ટર ગઢવીને સસ્પેન્ડ કરી દઈને આ મામલાની ગહન તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં એવો ખુલાસો થયો છે કે આ આખુંયે કાવતરું મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર અને ત્રીજી વ્યક્તિ કે જેનું નામ હરેશ ચાવડા છે તે સહિતના ત્રણ લોકો દ્વારા જ ઘડવામાં આવ્યું હતું. આ ઘટનામાં એટીએસે ફરિયાદી બનીને હાલ આ ત્રણેયની અટકાયત કરી લીધી છે અને ટૂંક સમયમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે 2008ની બેચમાં આઈએએસ અધિકારી અને હાલ આણંદ જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત ડી.એસ.ગઢવીની યુવતી સાથે રંગરેલીયા મનાવતા હોય તેવી વીડિયો ક્લિપ બ્ાહાર આવી હતી. આ પછી સરકારે તાત્કાલિક ગઢવીને સસ્પેન્ડ કરી મામલાની તપાસ અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનિષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તેમજ દેવીબેન પંડ્યાની બનેલી કમિટીને સોંપવામાં આવી હતી. આ સાથે જ એટીએસ દ્વારા પણ આ મામલાની સઘન તપાસ કરવામાં આવતાં શંકાની સોય આણંદના જ તત્કાલિન મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ ઉપર આવી હતી.
ત્યારબાદ એટીએસ દ્વારા ફરિયાદી બનીને કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી.પટેલ અને અન્ય એક કર્મચારીની પૂછપરછ કરવામાં આવતાં કલેક્ટર ગઢવીની ચેમ્બર તેમજ એન્ટી ચેમ્બરમાં આ ત્રણેયે જ સ્પાય કેમેરો લગાવ્યો હોવાનું અને બે જેટલી યુવતીઓને તેમની ચેમ્બરમાં મોકલી હોવાની કબૂલાત આપી હતી. એકંદરે આ ત્રણેયે ગુનો કબૂલી લેતાં તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે જે થઈ ગયા બાદ આ મામલે મોટા ધડાકા થઈ શકે છે.