રાજકોટમાં નેશનલ સ્પાર્ટ્સ ડે ઉજવણીમાં જાણે ઘરની ધોરાજી ચાલી, ખરો મર્મ ભૂલાયો? જાણો શું છે મામલો
નેશનલ સ્પોર્ટ્સ ડે જેના નામ પરથી ઉજવાય છે તે હોકી લીજેન્ડ, ખેલરત્ન મેજર ધ્યાનચંદના જન્મદિવસનો ખરો મર્મ જ આજે રાજકોટમાં ઉજવણીમાં વિસરાયો કે ભૂલાઈ ગયો હોય તેમ ન તો કેક કટિંગ થયું, ન થયું દીપ પ્રાગટ્ય કે ન થયા કોઈ હોકી પ્લેયર્સના સન્માન, માત્ર બે એથ્લેટ્સને જાણે ફોર્માલિટી માટે સન્માનિત કરીને કાર્યક્રમ ફટાફટ આટોપી લેવાયો કે ઘરની ધોરાજી ચલાવી લેવાઈ હોવાની ચર્ચા, ગણગણાટ હોકી પ્લેયર્સ તેમજ અન્ય ખેલાડીઓ કે રમત-ગમત ક્ષેત્રે લગાવ ધરાવનારાઓમાં ચાલ્યો હતો.

મેજર ધ્યાનચંદનો તા.29 ઓગસ્ટના રોજ જન્મદિવસ હોવાથી તેની યાદગીરીરૂપે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજકોટમાં મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ રેસકોર્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના નેજા હેઠળ ઉજવણીનો કાર્યક્રમ રખાયો હતો જેમાં રાજકીય મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. લોકલ લેવલે આયોજન જિલ્લા વહીવટીતંત્ર રાજકોટ ડીએસડીઓની ટીમ દ્વારા કરાયું હતું.

હોકી પ્લેયર્સના સન્માન ન થયા
દર વર્ષે ઉજવણીમાં ધ્યાનચંદના જન્મદિનને લઈને હોકી પ્લેયર્સ કે ખેલાડીઓ દ્વારા કેક કટિંગ કરવામાં આવે છે. આજે આવું કાંઈ બન્યું ન હતું. દીપ પ્રાગટ્ય પણ થયું ન હતું. ધ્યાનચંદ હોકી પ્લેયર હોવા છતાં રાજકોટમાં નેશનલ કક્ષાએ હોકી રમેલા કે રમતા ખેલાડીઓ છે તે પૈકી કોઈના સન્માન થયા ન હતા. બે એથ્લેટ્સના મહાનુભાવોની હાજરીમાં સન્માન થયા અને ઉદ્ઘાટન કાર્યક્રમ ફટાફટ આટોપી લેવાયો હોય તેમ કાર્યક્રમની સાથે હોકીની ટીમો વચ્ચે મેચ રમાવા લાગ્યા હતા.

હોકીના ખેલાડીઓ કે રમત ક્ષેત્રના લોકોને આ વખતે કેક કટિંગ કે આવું કંઈ ન થતાં ભારે આંચકો અનુભવાયો હતો. હોકીના ખેલાડીઓના બદલે એથ્લેટ્સના સન્માન થયા જેઓના સન્માન થયા, કરાયા એ યોગ્ય કે સારી બાબત છે પરં સાથે હોકીના ખેલાડીઓનો પણ સમાવેશ થયો હોત તો આજની ઉજવણીનો ખરો મર્મ જળવાયે હોત તેવી આંતરિક વાતો ગ્રાઉન્ડ પર વહેતી હતી. દર વખતે મેજર ધ્યાનચંદના જન્મદિવસની ઉજવણી રાજકોટમાં હોકી એસોસિએશન દ્વારા થતી હોય છે.
આ પણ વાંચો : દર મહિને 50,000 હપ્તો…રાજકોટમાં પત્રકાર બાદ હવે ‘તોડ’ કરવા જતાં તંત્રી પકડાયો!
આ વખતે નેશનલ સ્પોર્ટ્સ કે ઉજવણી સરકારી તંત્ર હસ્કત કરાઈ હતી જે સારી વાત છે. કદાચ આયોજક કમિટી કે જવાબદારોના ધ્યાનમાં કેક કટિંગ કે દીપ પ્રાગટ્ય આવી બાબત નહીં હોય પરંતુ જો સ્થાનિક હોકી એસો. પાસેથી લોકલ ઓથોરિટી દ્વારા ઉજવણી સંદર્ભે કોઈ જાણકારી મેળવાઈ હોય તો આવો કોઈ કચવાય ન ઉદ્ભવેત. ઘણાખરાએ તો એવા આક્ષેપો કર્યા કે ડીએસડીઓની ટીમ દ્વારા આયોજનમાં પક્ષપાતી વલણ કરાયું. આયોજક કમિટી દ્વારા કાર્યક્રમમાં કોઈ ભેદભાવ, પક્ષપાત ન જ હોય અને નિયમ અનુસાર જ નેશનલ સ્પોર્ટ્સ ડેની ત્રિ-દિવસીય ઉજવણીનો આરંભ કરાયો હશે. પરંતુ કોઇ કારણે આવી ખરી-ખોટી વાતો વહેતી કરાઈ હોઈ શકે તેવી પણ ચર્ચા છે. આજે હોકીની રમત બાદ કાલે શનિવારે પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે સાંજે ૫ કલાકે વોલીબોલ અને રસ્સાખેંચ અને રવિવારે સવારે સાત વાગ્યે બહુમાળી ભવન સર્કલથી સન્ડે ઓન સાઈકલ કાર્યક્રમ યોજાશે.
