વર્ષમાં બેવાર 10, 12મીની બોર્ડ પરીક્ષા આપવી જરૂરી નથી
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની જાહેરાત, સ્ટ્રેસ ઘટાડવા નિર્ણય લેવાયો છે
નવી શિક્ષા નીતિ અંતર્ગત તાજેતરમાં જ વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા યોજવાની જાહેરાત થઈ હતી અને હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને મહત્વનું નિવેદન આપીને વિધ્યાર્થીઓની ચિંતા દૂર કરી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સામેલ થવું જરૂરી નથી.’ તેમણે કહ્યું કે, તે સંપૂર્ણપણે વૈકલ્પિક હશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાના તણાવને ઘટાડવાનો છે. વિધાર્થીઓ પાસે ઇનજીનીયરિંગ પ્રવેશ પરીક્ષા જે ઈ ઈ ની જેમ વર્ષમાં બે વાર પરીક્ષામાં બેસવાનો વિકલ્પ હશે.
એમણે કહ્યું કે પરીક્ષા આપવા માટે વિકલ્પ હશે અને તેઓ બેસ્ટ સ્કોર પસંદ કરી શકે છે. પણ તે વૈકલ્પિક હશે, કોઈ બંધન નથી, જો કોઈ વિધ્યાર્થીને એમ લાગે કે પોતે પૂરી રીતે તૈયાર છે અને પરીક્ષાના પ્રથમ સેટના સ્કોરથી સંતુષ્ટ છે તો તે આગળની પરીક્ષામાં શામેલ નહીં થવાનો વિકલ્પ પસંદ કરી શકે છે, કાઇ પણ અનિવાર્ય નથી.
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, “સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે કારણ કે તેનું જૂનું વર્ઝન ખૂબ વ્યાપક છે અને આજની શિક્ષા પ્રણાલીની માંગો અલગ છે. એવા સમયે જ્યારે આપણે એનઈપીની સાથે એક આદર્શ બદલાવ (પરિવર્તન) કરી રહ્યા છીએ, ત્યારે સીએબીઈને પણ ફરીથી તૈયાર કરવાની જરૂર છે.”
કોઈનો કિંમતી જીવ ન જવો જોઈએ: ધર્મેન્દ્ર પ્રધાન
કોટામાં વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટનાઓ પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, કોઈનો કિંમતી જીવ ન જવો જોઈએ. તેઓ અમારા બાળકો છે. વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવાની અમારી સામૂહિક જવાબદારી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કહ્યું કે વિદેશી યુનિવર્સિટીઓ માટે ભારતમાં કેમ્પસ સ્થાપવા માટેની માર્ગદર્શિકા પર ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ તેને સૂચિત કરવામાં આવશે.