શિવમ કોમ્પલેક્સ ફિટ છે કે નહીં ? સર્ટિફિકેટનું કોંકડું ગુંચવાયું !
સ્લેબ તૂટી પડ્યા બાદ મનપાએ એક ઝાટકે બિલ્ડિંગ બંધ કરી દેતાં દોડધામ
૧૯૯૨માં બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા નિરીક્ષણ કરાયું’તું એ હાલ હયાત ન હોવાથી રિપોર્ટ કોની પાસે કરાવવો ? હવે મનપા જ પોતાના એન્જિનિયર પાસે નિરીક્ષણ કરાવે તેવી માંગણી
તાજેતરમાં જ સર્વેશ્વર ચોક પાસે વોંકળા પરનો સ્લેબ તૂટી પડવાને કારણે ૨૫ જેટલા લોકોને ઈજા અને એક વૃદ્ધાનું મોત નિપજ્યાની ઘટના બન્યા બાદ મહાપાલિકા દ્વારા એક ઝાટકે શિવમ બિલ્ડિંગના વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવી દેતાં અહીં ઑફિસ-દુકાન ધરાવતાં લોકોમાં દોડધામ મચી ગઈ છે. મનપા દ્વારા પહેલાં આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે નિરીક્ષણ કરાવી સ્ટ્રક્ચરલ સ્ટેબીલિટી સર્ટિફિકેટ (બિલ્ડિંગ ફિટ છે કે નહીં તેનો રિપોર્ટ) આવ્યા બાદ જ બિલ્ડિંગ વપરાશ માટે આપવાની નોટિસ ફટકારતા હવે સર્ટિફિકેટને લઈને કોંકડું ગુંચવાઈ ગયું છે.
શિવમ કોમ્પલેક્સમાં ઑફિસ-દુકાનના માલિકોએ મ્યુનિ.કમિશનરને રજૂઆત કરીને જણાવ્યું છે કે શિવમ-૧ કોમ્પલેક્સનો ૧૯૯૦માં પ્લાન મંજૂર થયા બાદ જરૂરી ફેરફાર સાથે નવો પ્લાન વર્ષ ૧૯૧માં મંજૂર થયો હતો. ત્યારપછી બિલ્ડિંગનો વપરાશ કરવાની મંજૂરી ૧૯૯૨માં અપાઈ હતી. આ બિલ્ડિંગના જે તે સમયના સ્ટ્રક્ચરલ એન્જિનિયર હતા તે હાલ હયાત ન હોવાનું ધ્યાન પર આવ્યું છે એટલા માટે અમે સ્ટ્રક્ચરલ સ્ટેબીલિટી સર્ટિફિકેટ કઈ રીતે રજૂ કરી શકીએ ? અન્ય કોઈ એન્જિનિયર આ સર્ટિફિકેટ ન આપી શકે કેમ કે જે તે વખતે બાંધકામ વખતે તે સામેલ ન્હોતા.
એટલા માટે હવે મહાપાલિકાની સ્ટ્રક્ચરલ એન્જિનિયરની એક માન્ય ટીમ દ્વારા આ બિલ્ડિંગની સ્ટેબિલિટી તપાસવામાં આવેતેમજ ટીમ દ્વારા આ બિલ્ડિંગ માટે જરૂરી જે કાંઈ કરવાનું હોય તે અમને જણાવવામાં આવે અને ત્યારબાદ તે એન્જિનિયર દ્વારા અપાનારું સર્ટિફિકેટ અમે રજૂ કરી શકીએ તેમ છીએ. એટલા માટે વહેલામાં વહેલી તકે અમારી રજૂઆત ગ્રાહ્ય રાખી મહાપાલિકા જ પોતાના એન્જિનિયર પાસે આ બિલ્ડિંગનું નિરીક્ષણ કરાવે તે જરૂરી છે અન્યથા આમને આમ જદુકાન-ઑફિસો બંધ હાલતમાં પડ્યા રહેશે. બીજી બાજુ શિવમ કોમ્પલેક્સ દ્વારા તાત્કાલિક એસોસિએશનની નોંધણીની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.