ઈરાન-યુએસ ‘યુદ્ધ’નો પ્રહાર: ગુજરાત ગેસે ઉદ્યોગોને સપ્લાયમાં 50% કાપ ઝીંક્યો, સિરામિક ક્લસ્ટરની મુશ્કેલી વધી, ઉત્પાદન ઠપ થવાની ભીતિ
મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધના પડઘા હવે ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે સંભળાવા લાગ્યા છે. ઈરાન પર થયેલા હુમલા બાદ વિશ્વના મુખ્ય ગેસ ઉત્પાદક દેશ કતારે ‘ફોર્સ મેજ્યોર’ (અનિવાર્ય સંજોગો) જાહેર કરતા ભારતના ગેસ પુરવઠામાં મોટો વિક્ષેપ પડ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા ગુજરાત ગેસ લિમિટેડ (GGL) એ રાજ્યના ઉદ્યોગો માટે ગેસ સપ્લાયમાં 50 ટકાનો તોતિંગ કાપ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી છે.
સિરામિક ક્લસ્ટરની મુશ્કેલી વધી
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબી પર આ નિર્ણયની સૌથી ઘાતક અસર પડશે. ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, 6 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 સુધી તમામ ઔદ્યોગિક એકમોને ફેબ્રુઆરી મહિનાના સરેરાશ વપરાશના માત્ર 50 ટકા ગેસ જ આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં R-LNG ની અછત સર્જાતા કંપનીએ આ કડક નિર્ણય લેવો પડ્યો છે.
આ પણ વાંચો :બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈ-મેઈલ પાછળ ગેરકાયદે વસતો બાંગ્લાદેશી ઝબ્બે: આ રીતે બંધ પડેલા ઈ-મેઈલ એકાઉન્ટ્સ વેચતો
કંપનીની કડક ચેતવણી: ક્વોટા વધ્યો તો કનેક્શન કટ
ગુજરાત ગેસે ઉદ્યોગકારોને સ્પષ્ટ સૂચના આપી છે કે નિર્ધારિત કરાયેલા 50 ટકાના ક્વોટા (DCQ) થી વધુ ગેસનો વપરાશ કરનાર એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ એકમ મર્યાદા ઓળંગશે, તો કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર તેમનો ગેસ પુરવઠો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે.
ઉત્પાદન ઠપ થવાની ભીતિ
કતારથી આવતા કુદરતી ગેસના પુરવઠામાં કાપ આવતા માત્ર સિરામિક જ નહીં, પણ ટેક્સટાઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં પણ ચિંતા વ્યાપી છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં ગેસના ભાવમાં પણ મોટો ઉછાળો આવી શકે છે, જેની સીધી અસર ચીજવસ્તુઓના ભાવ પર પડશે. હાલમાં ઉદ્યોગકારો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો તરફ મીટ માંડી રહ્યા છે, પરંતુ ટૂંકા ગાળામાં આટલો મોટો કાપ સહન કરવો ઉત્પાદન પ્રક્રિયા માટે મોટો પડકાર સાબિત થશે.
