ક્રિકેટ પ્રેમી માટે રાજકોટમાં જામશે IPLનો માહોલ !! રેસકોર્સમાં આ 2 દિવસ ઉભો કરાશે IPL’ફેન પાર્ક’
- કાલે-રવિવારે રાજકોટમાં IPLનો માહોલ ઉભો કરશે SCA
- રેસકોર્સમાં આઈપીએલ `ફેન પાર્ક’ ઉભો કરાશે જ્યાં ચેન્નાઈ-દિલ્હી, પંજાબ-રાજસ્થાન, હૈદરાબાદ-ગુજરાત વચ્ચેના મુકાબલા વિશાળ ટીવી સ્ક્રીન ઉપર બતાવાશે
- આઈપીએલની મેચની જગ્યાએ ત્રણ વર્ષથી ફેનપાર્કથી જ સંતોષ માનતાં સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકો
આઈપીએલ-18 બરાબરની જામી ગઈ છે અને ક્રિકેટરસિકો દરરોજ તેના મુકાબલા માણી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આઈપીએલ ફેનપાર્ક થકી બે દિવસ સુધી રાજકોટમાં આઈપીએલનો માહોલ ઉભો કરવામાં આવશે. દર વર્ષની માફક આ વર્ષે પણ રેસકોર્સમાં ફેનપાર્ક ઉભો કરવામાં આવશે જ્યાં વિશાળ એલઈડી સ્ક્રીન ઉપરાંત ક્રિકેટરસિકોને બેસવા-ઝૂમવા માટેની પૂરતી જગ્યા આપવામાં આવશે.
આ ફેનપાર્કમાં આવતીકાલે બપોરે 3:30 વાગ્યે ચેન્નાઈ સુપરકિંગ્સ-દિલ્હી કેપિટલ્સ અને સાંજે 7ઃ30 વાગ્યાથી પંજાબ કિંગ્સ-રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ જ રીતે રવિવારે સાંજે 7ઃ30 વાગ્યાથી સનરાઈઝર્સ હૈદરાબાદ-ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ લોકો ફેન પાર્કમાં બેસીને નિહાળી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટને ઘણા વર્ષથી આઈપીએલની મેચ મળી રહી ન હોવાથી છેલ્લા ત્રણેક વર્ષથી બીસીસીઆઈના સહયોગથી એસસીએ દ્વારા ફેનપાર્ક ઉભો કરવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો એકઠા થઈને મેચ નિહાળે છે સાથે સાથે સ્ટેડિયમમાં જ બેઠા હોય તે પ્રકારે હો હા અને ગોકીરો કરતાં પણ સાંભળવા મળે છે.
જો કે બપોરે 3:30 વાગ્યાની મેચ નિહાળવા માટે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ લોકો આવે છે પરંતુ સાંજે 7ઃ30 વાગ્યાથી લોકોનો જમાવડો ફેનપાર્કમાં થવા લાગે છે અને તે મેચ પૂરી ન થાય ત્યાં સુધી યથાવત રહે છે.