મહિલાઓના વિડીયો વેંચવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ !! પ્રયાગરાજના યુટ્યુબરે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો મોટો ખુલાસો
પ્રયાગરાજના યુટ્યુબરે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો મોટો ખુલાસો
ગત શનિવારે રાજકોટની પાયલ મેટરનિટી હોમ સહિતની કેટલીક હોસ્પિટલોમાં મહિલાની ગરિમા ન જળવાઈ તેવા લેબર રૂમ તેમજ હોસ્પિટલના ઇન્સ્પેક્શન રૂમના વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ થતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ પાયલ મેટરનિટી હોમના સીસીટીવી ફૂટેજ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે મહારાષ્ટ્રના બે સહિત ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ મામલે નવો ખુલાસો થયો છે. હોસ્પિટલ ના વિડીયો ઉપરાંત મહાકુંભમાં મહિલાઓના સ્નાન કરતા વીડિયો પણ ટેલિગ્રામ ચેનલ પર વાયરલ થયા હતા ત્યારે આ બંને વિડિયો ત્રણેય આરોપી દ્વારા જ કરવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો ??
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વીડિયો વાયરલ થવાના મામલે શરૂ કરવામાં આવેલી તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઇ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે આ ત્રણેય નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો વેચ્યા હતા અને આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા ચેનલ પર અપલોડ પણ કર્યા છે. હજુ તપાસનો દોર ચાલી રહ્યો છે, જેમાં મોટા ઘટસ્ફોટ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે આ ત્રણેય આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરશે.
અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલા ગેઝેટ્સની તપાસ કરતા 80 જેટલી હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જ્યારે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 (એફ) 2નો ઉમેરો કરવામાં આવ્યો છે.
રોમાનિયા અને એટલાન્ટાના આઇપી એડ્રેસ મળી આવ્યા
રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ યુ ટ્યુબ પર પોસ્ટ કરવાની સાથે ટેલીગ્રામ ચેનલ દ્વારા દેશની અલગ અલગ હોસ્પિટલોના સીસીટીવી ફૂટેજ વેચાણ કરવાના કૌભાંડમાં મહારાષ્ટ્રથી ઝડપાયેલા પ્રજવલ તૈલી, પ્રજ પાટીલ અને ચંદ્ર પ્રકાશ નામની યુવકોની પૂછપરછ અને તેમની પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન, હાર્ડ ડીસ્ક અને અન્ય ગેટેઝ્સની તપાસ કરતા પોલીસને 80થી વઘુ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા.
જ્યારે દેેશના અન્ય શહેરોના શોપિંગ મોલ, જાહેર સ્થળોના સીસીટીવી પણ મળી આવ્યા છે. પોલીસને આરોપીઓ પાસેથી અનેક નાણાંકીય વ્યવહારના પુરાવા પણ મળી આવ્યા છે. સાથે-સાથે પોલીસને રોમાનિયા અને એટલાન્ટાની આઇપી એડ્રેસ પણ મળી આવ્યા છે. ત્યારે ક્રાઇમબ્રાંચ અને સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમ બનાવીને તમામ પાસાંને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરાઇ છે. આ સાથે અન્ય રાજ્યની પોલીસ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસને મહત્ત્વની કડી મળી શકે છે.
બીજી તરફ આ ગુનાની ગંભીરતાને ઘ્યાનમાં રાખીને રાજ્યના ગૃહવિભાગે આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(એફ)2 ની કલમ પણ ઉમેરી છે. જે સાયબર ટેરરિઝમની કેટેગરીમાં આવે છે અને તેમાં આજીવન કેદની સજાની જોગવાઇ છે.