International Museum Day : ઈતિહાસ સાચવી નવી પેઢીને સાહસ-શૌર્યની ગાથા કહેતું સોમનાથનું જૂનું મ્યુઝિયમ
આજે 18 મી એટલે કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ. આ દિવસનો હેતુ સંગ્રહાલયોના મહત્વને પ્રકાશિત કરવાનો અને સમાજમાં તેમની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. ત્યારે આજે આપણે સોમનાથના જૂના મ્યુઝિયમ વિશે જાણશું.
ઘૂઘવતો દરિયો પણ જેના ચરણ પખાળતા થાકતો નથી, એવા બાર જ્યોતિર્લિગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના આંગણે મ્યૂઝિયમમાં અતિતનો ઈતિહાસ હજુ પણ સચવાયેલો છે. લાઈટ એન્ડ સાઉન્ડ શોના માધ્યમથી સોમનાથના પટાંગણમાં હજુ પણ દેવને નૃત્યગીતથી આરાધવા તત્પર રહેલી રહેલી ચૌલાના ચૌલાના ઝાંઝરનો રણકાર ગૂંજે છે, તો બીજી બાજું પૌરાણિક અવશેષો સાચવીને બેઠેલા મ્યૂઝિયમના માધ્યમથી સોમનાથની ભૂમિમાં ખેડાયેલું સાહસ અને શૌર્યનું ખમીરવંતુ નવચેતન પણ ધબકે છે.

પ્રભાસપાટણ ખાતે આવેલા સોમનાથના જૂના મ્યુઝિયમમાં કોઈ ભગ્ન અવશેષ અવશેષ તરીકે તો કોઈ પૂર્ણ રીતે પ્રભાસક્ષેત્રની ભૂમિમાં ગવાયેલી તમામ શૌર્ય ગાથાઓની ગૂંથણી સંગ્રહાયેલી જોવા મળે છે. અહીં સોમનાથ મંદિરના અદ્વિતિય સ્થાપન સમયના અવશેષો પણ સંગ્રહાયેલા છે. જે આક્રાંતાઓની વિધ્વંશક મનોવૃત્તી સામે પુનરૂદ્ધારના અડગ મનોબળની અનુભૂતિ કરાવે છે.

સોમનાથ ટ્રસ્ટના જૂના મ્યૂઝીયમમાં ૧૦મી સદીમાં સ્ત્રી-પુરૂષના દ્વંદ્વ યુદ્ધ, ચામર ધારિણી, યક્ષિણી, નાગને સ્તનપાન કરાવતી નર્તકી, દુર્લભએવી સાતમા સૈકાની ભગવાન શ્રી લકુલીશની મૂર્તિ, સોમ (ચંદ્ર) દ્વારા સોમનાથની પ્રથમ સ્થાપનાના ઈતિહાસને દર્શાવતી મૂર્તિ, સોમ કાલયવન અને ભૈરવ સહિતની મૂર્તિઓ રાખવામાં આવેલી છે

આ મ્યૂઝિયમમાં 11 મે,1951ના રોજ સોમનાથ ભગવાનના શિવલિંગ પર જલાભિષેક કરવા દક્ષિણ આફ્રિકાની ઝામ્બેશી નદી, ન્યૂઝીલેન્ડના દક્ષિણ મહાસાગરનું પાણી, ઓસ્ટ્રેલિયાની મૂર નદીનું પાણી, રશિયાની મોખ્વા નદીનું પાણી, કેનેડાની લોરેન્સ નદીનું પાણી, ઈજિપ્તની નાઈલ નદીનું પાણી એમ દેશદેશાવરથી એકઠા થયેલ પાણીના નમૂનાઓનો સંગ્રહ પણ સચવાયેલો છે.

સોમનાથ પર આવેલા વારંવારના સંકટને ખાળી અવિરત પ્રકાશપૂંજની જેમ પથરાતી ભગવાન સોમનાથની કિર્તીની સાક્ષીને નિહાળવા સોમનાથ ખાતે આવતા પ્રવાસીઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે ટૂરિસ્ટ ફેસિલીટી સેન્ટર ખાતે નવું મ્યૂઝિયમ કાર્યરત કર્યું છે. જે અત્યાધુનિક સોમનાથના સોનેરી ઇતિહાસની સાક્ષી પૂરે છે.

આમ, આપણા ઈતિહાસની બારીએથી ડોકિયું કરી સાહસસભર રાજાઓના શૌર્યને બીરદાવવવા અને તેમની વીરતાને નમન કરવા સોમનાથના જૂનાં અને નવા મ્યુઝિયમની ચોક્કસથી મુલાકાત લેવા જેવી છે.