ચોરી અટકાવવા સૌ. યુનિ.ની નવતર પહેલ: સ્ક્વોડ સાથે એક્ઝામ, રાજકોટ સહિત 5 જિલ્લામાં 90થી વધુ ઓબ્ઝર્વરોને 40 સ્ક્વોડની સરપ્રાઈઝ વિઝીટ
શુક્રવારથી રાજકોટ સહિત પાંચ જિલ્લામાં આવેલી 142 પરીક્ષા કેન્દ્રોમાંથી કુલ 56,527 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત બોર્ડ પરીક્ષાની જેમ કડક દેખરેખ સાથે સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવી છે. 16 જાન્યુઆરીથી શરૂ થનારી આ પરીક્ષામાં યુનિવર્સિટી ચોરી અને ગેરરીતિ અટકાવવા માટે વિશેષ આયોજન કર્યું છે.
પરીક્ષા દરમિયાન માત્ર ઓબ્ઝર્વર જ નહીં પરંતુ તેમની સાથે સરપ્રાઈઝ ચેિંકગ માટે સ્ક્વોડ પણ ફરજ પર રહેશે. કુલ 90થી વધુ ઓબ્ઝર્વરો સતત દેખરેખ રાખશે, જ્યારે 80 અધ્યાપકોની 40 સ્ક્વોડ ટીમો અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર અચાનક તપાસ કરશે. જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાશે તો સ્થળ પર જ તેની સામે કોપીકેસ દાખલ કરવામાં આવશે, જેથી પરીક્ષા દરમિયાન ચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે.
યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 16 જાન્યુઆરીથી રાજકોટ, મોરબી, જામનગર, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 142 પરીક્ષા કેન્દ્રો પર સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે, જેમાં પ્રથમ સેશન સવારે 10થી 12 વાગ્યા સુધી અને બીજું સેશન બપોરે 1.30થી 3.30 વાગ્યા સુધી રહેશે.
આ પણ વાંચો :ભરશિયાળે પાણીકાપ: રાજકોટમાં આવતીકાલે આ વોર્ડની 50 સોસાયટીમાં નહીં મળે પાણી
સેમેસ્ટર-1ની પરીક્ષામાં બી.એ. રેગ્યુલરમાં 18,440, બી.કોમ.માં 17,470, બી.બી.એ.માં 6,366, બી.સી.એ.માં 6,310, એમ.કોમ.માં 1,696 તથા બી.એસ.સી.માં 1,295 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 142 કેન્દ્રો પર 90થી વધુ ઓબ્ઝર્વરો સતત હાજર રહેશે, જ્યારે તેમની સાથે 40 સ્ક્વોડ ટીમો સરપ્રાઈઝ ચેિંકગ કરશે. જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતા પકડાશે તો તેની સામે કોપીકેસ દાખલ થશે અને ત્યારબાદ રૂ. 2,500થી લઈને રૂ. 10,000 સુધીનો દંડ વસૂલવામાં આવશે.
આશરે દસ વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ક્વોડ સાથે પરીક્ષા લેવામાં આવતી હતી, પરંતુ તે સમયે ઓબ્ઝર્વરની વ્યવસ્થા ન હતી. આ વખતે પ્રથમ વખત ઓબ્ઝર્વર અને સ્ક્વોડ બંને સાથે પરીક્ષા યોજાઈ રહી છે, જેથી પરીક્ષા પ્રક્રિયા વધુ કડક અને પારદર્શક બનશે તેવી આશા સત્તાધીશોએ વ્યક્ત કરી હતી.
