પરિણીતા સાથે અમાનુષી કૃત્ય !! બાઇક પાછળ સાંકળથી બાંધી નિર્વસ્ત્ર કરી દોડાવી, દાહોદના 12 લોકોની પોલીસે કરી ધરપકડ
મહાભારતમાં દ્રોપદીના ચીરહરણમાં જેમ તેના ઘરના સભ્યો જ શામેલ હતા. ઘરની વહુની લાજ ઘરના લોકો જ રાખી શક્યા નહોતા. આવી જ એક ઘટના દાહોદમાં સામે આવી છે. દાહોદમાં પરિણીતા સાથે અમાનુષી કૃત્ય કરવામાં આવ્યું છે. ઘટનના વાંચીને તો કોઈ પણ વ્યક્તિના રૂવાડા ઊભા થઈ જશે. પરિણીત મહિલાને 15 જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવી હતી. પરિણીતા તેના પ્રેમીના ઘરે મળવા ગઇ હતી જેની જાણ તેના પરિવારના લોકોને થતા પહેલા તો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી, ત્યાર બાદ તેને અર્ધ નગ્ન હાલતમાં સાંકળથી બાઇક સાથે બાંધી આખા ગામમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. જે વાઇરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઇ હતી અને 15 શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધર્યા બાદ આ મામલે 12 લોકોની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર મામલો ??
મળતી વિગતો અનુસાર આ ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામની છે જ્યાં મહિલા સાથે અમાનુષી કૃત્ય કરવામાં આવ્યું હતું. 35 વર્ષિય મહિલાને 15 લોકોના ટોળાએ તેના ઘરમાંથી અર્ધનગ્ન હાલતમાં ખેંચીને બહાર કાઢી. પહેલા તો તેને પાંચથી- છ ગાલો પર લાફા ઝીંકી દીધા. મહિલા સાથે બળજબરી કરી તેના હાથ સાંકળથી બાંધી દેવામાં આવ્યા. ત્યારબાદ આ સાંકળને બાઈક સાથે બાંધવામાં આવી. આ તમામ કૃત્ય કરવામાં સામેલ 15 લોકોમાં 7 થી 8 જેટલી મહિલાઓ સામેલ હતી. જે ખુદ મહિલાના હાથ બાંધી રહી હતી. મહિલાને માર મારી રહી હતી તેને અપશબ્દો બોલી રહી હતી.

આટલુ કર્યા બાદ મહિલાને બાઈક સાથે બાંધીને ગામમાં દોડાવવામાં આવી. ટોળુ મહિલાનો કાઢી રહ્યુ હતુ. હજુ થોડે દૂર ગયા હશે ત્યાં ટોળામાંથી કોઈએ મહિલાનુ ચીરહરણ કરવાનું ચાલુ કર્યુ. મહિલા કરગરી રહી હતી પરંતુ તેની વહારે આવનાર ત્યા કોઈ ન હતા. જે હતા તે રાક્ષસી દાનવો હતો. કહેવાતા સભ્ય લોકો ખુદને સમાજના ઠેકેદાર ગણાવી રહ્યા હતા. દ્રૌપદીના ચીર પૂરવા માટે તો ખુદ ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા હતા પરંતુ આખા ગામમાં કોઈ એવો સભ્ય વ્યક્તિ ન હતો જે મહિલાના નગ્ન તન પર કોઈ કપડુ પણ ઢાંકવા આવે, આ અધમ કૃત્ય કરતા રોકે.
12 લોકોની કરાઈ ધરપકડ
વીડિયો વાયરલ થતાં જ દાહોદ પોલીસ સફાળી જાગી હતી અને સ્થળ પર દોડી જઇ વિગતો મેળવીને ભોગ બનનાર પરિણીતા સુધી પહોંચી હતી. પોલીસ સમક્ષ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ કરતા તેના આધારે 15 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં 15 માંથી 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.