જામનગરમાં નર્સનું અમાનુષી કૃત્ય : ગલૂડિયાને સ્કૂટી પાછળ બાંધી ઢસડ્યું, વિડીયો થયો વાયરલ
જામનગરમાં શિક્ષિત પરિવારની મહિલાએ ક્રૂરતાની હદ વટાવી છે. શહેરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં મહિલાએ ગલુડીયાને સ્કૂટી પાછળ ઢસડ્યું હતું. લોકો કહે છે કે શિક્ષિક પરિવારના જે લોકો હોય છે તેમાં વધુ સમજણ હોય છે. ત્યારે આ મહિલા એક નર્સ છે. ગલૂડિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો મહિલા પર ફિટકાર વરસાવી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર આ ઘટના જામનગરના સ્વામીનગરની છે જ્યાં મહિલાએ ગલૂડિયા સાથે અમાનુષી અત્યાચાર કર્યો હતો. મહિલાએ પોતાના સ્કૂટીની પાછળ એ જ વિસ્તારના એક શ્વાનના બચ્ચા ગલૂડિયાને દોરડેથી પોતાના સ્કૂટીની પાછળ બાંધી દીધું હતું, અને ત્યારબાદ સ્કૂટી ચાલુ કરીને નિર્દોષ પ્રાણી એવા ગલૂડિયાને સ્કૂટીની પાછળ ઢસડયો હતો. મહત્વની વાત તો એ છે કે આ મહિલા જી. જી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ડોકટર અને નર્સને તો લોકોએ ઈશ્વરની ઉપમા આપી છે ત્યારે એક નર્સ દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવતા ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.
વિડીયોમાં જોઈ શકાય તેમ મહિલાએ સ્કૂટી ચાલુ કરીને નિર્દોષ પ્રાણી એવા ગલૂડિયાને સ્કૂટીની પાછળ ઢસડયો હતો. શ્વાનના બચ્ચાના બન્ને આગળના પગ ઢસડાયા હતા, અને ઇજાગ્રસ્ત બનીને ચીસાચીસ કરી મૂકી હતી. જેને લઈને કેટલાક પશુ પ્રેમીઓએ આ ઘટનાની નિંદા કરી હતી અને સંસ્કારી મહિલા સામે ફિટકારની લાગણી વર્ષાવી હતી. દરમિયાન એક પશુ પ્રેમી એવા સ્થાનિક નાગરિકે શ્વાનના ઇજાગ્રસ્ત બચ્ચાને જામનગરના એક ખાનગી પશુ દવાખાનામાં લઈ જઈ તેની સારવાર કરાવડાવી હતી.

આ મહિલા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે, તેમજ તેના પતિ પણ શિક્ષક તરીકે નોકરી કરે છે. આવા સંસ્કારી પરિવારની મહિલા દ્વારા કરવામાં આવેલા આ અધમ કૃત્યને લઈને લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.