ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરાશે: PPP મોડલ પર IAIROની સ્થાપના કરનારા દેશનું પ્રથમ રાજ્ય
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કરી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્ય સરકાર, ભારત સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(IAIRO)ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મેળવ્યું છે.
ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026થી આ IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવશે. એટલું જ નહિં, આ પ્રોજેક્ટ માટે પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ખાનગી ભાગીદાર ત્રણેયનું 33.33 ટકા યોગદાન રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતની આ પહેલ AI માટે કુશળ અને ભવિષ્યનું માનવ સંસાધન બળ તૈયાર કરવા સાથોસાથ AI સેક્ટરમાં ભારતને ગ્લોબલ કોમ્પિટિટિવ લીડર તરીકે પ્રસ્થાપિત કરશે અને ઇમર્જિંગ ટેકનોલોજી ઇનોવેશન માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવશે.
