Ind vs NZ: ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે ન્યુઝીલેન્ડ ‘અજેય’: રવિવારે જીતે કોઈ પણ, મેચ રોમાંચક બની રહેવાની પ્રબળ શક્યતા
સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ટી-20 વર્લ્ડકપના સેમિફાઇનલમાં હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારતનો સામનો હવે આવતીકાલે રવિવારે ન્યુઝીલેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર થશે. જો કે ભારત માટે ન્યુઝીલેન્ડ સામે જીતવું ખૂબ જ કપરું બની રહે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
ટી-20 વર્લ્ડકપ-2026માં ભારતનો પહેલીવાર ન્યુઝીલેન્ડ સામે ફાઇનલમાં મુકાબલો થવાનો છે. આ બન્ને ગ્રુપ સ્ટેજ કે સુપર-8માં ટકરાઈ નહોતી આવી એટલે મેચ રોમાંચક બનવાની પૂરેપૂરી શક્યતા છે.
ટી-20 વર્લ્ડકપમાં પણ બન્ને ટીમ વચ્ચેના રેકોર્ડ જોઈને ભારતીય ક્રિકેટરસિકોના ધબકારા વધી જશે. ભારત અત્યાર સુધી ટી-20 વર્લ્ડકપના ઇતિહાસમાં ન્યુઝીલેન્ડ સામે ક્યારેય જીતી શક્યું નથી.
આ પણ વાંચો :કર્ણાટક સરકારની પહેલ: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ! સ્ક્રીનના અતિરેક ઉપયોગને અટકાવવા લેવાયો નિર્ણય
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડકપમાં છેલ્લે 2021માં ટક્કર થઈ હતી જેમાં ન્યુઝીલેન્ડ 8 વિકેટે જીત્યું હતું. વર્લ્ડકપમાં અત્યાર સુધી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 3 વખત મુકાબલો થયો છે અને 3ેય વખત ન્યુઝીલેન્ડ જ જીત્યું છે.
પહેલીવાર બન્ને 2007માં આમને-સામને હતા. ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડે ભારતને 10 રને હરાવ્યું હતું પરંતુ એ વર્લ્ડકપમાં ચેમ્પિયન ભારત બન્યું હતું.
આ પછી 2016ના ટી-20 વર્લ્ડકપમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં ભારત 47 રને હાર્યું હતું. ત્રીજી અને છેલ્લીવાર 2021ના ટી-20 વર્લ્ડકપમાં મેચ રમાઈ હતી જેમાં ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીત મેળવી હતી.
